ડાયમંડ સીટી નહીં, ‘ભુવા સીટી’: સુરતમાં ૪ ઇંચ વરસાદમાં કરોડોના ખર્ચે બનેલા રોડ ધોવાઈ ગયા!

Surat Rain News Today : ડાયમંડ નગરી તરીકે જાણીતું સુરત શહેર હાલ ‘ભુવા સીટી’ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત રાતથી શરૂ થયેલા મેઘરાજાના તાંડવમાં માત્ર ૪ ઇંચ વરસાદ પડતા જ સુરતનું જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. આજે સવારે ૬ થી બપોરના ૨ કલાક સુધીમાં જ શહેરમાં ૨.૪૦ ઇંચ વરસાદ નોંધાયો છે, જેણે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે.

Surat Rain News Today : ભ્રષ્ટાચારનો ભોગ બન્યો કરોડોનો રોડ

સૌથી ચોંકાવનારી ઘટના મોટા વરાછાના હેવન રિવરફ્રન્ટ રોડ પર બની હતી. માત્ર ત્રણ મહિના પહેલાં જ અંદાજે ₹૩ કરોડના ખર્ચે તૈયાર થયેલો ૪૦૦ મીટરનો આ રસ્તો વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ બેસી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલાં અહીં કરોડોના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી. પરંતુ લાઈન નાખ્યા બાદ રસ્તાનું પુરાણ અને સમારકામ અત્યંત નબળી ગુણવત્તાનું કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ આજે જનતાએ ભોગવવું પડ્યું છે.

ભુવાઓમાં કાર અને સરકારી ટ્રક ફસાઈ

શહેરમાં ઠેર-ઠેર પડેલા મોટા ભુવાઓને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. એક મોટા ભુવામાં તો ચાલુ કાર ફસાઈ ગઈ હતી, જોકે સદનસીબે કાર ચાલકની સમયસૂચકતાને કારણે જાનહાનિ ટળી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે આ ભુવો પૂરવા માટે જે સરકારી ટ્રક સામાન લઈને આવી હતી, તે ટ્રક પણ પોતે જ તે ભુવામાં ફસાઈ ગઈ હતી. તંત્રની આ લાપરવાહી સામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

રાજ્યભરમાં વરસાદી માહોલ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા મુજબ, આજે સવારે ૬ થી બપોરે ૨ સુધી રાજ્યના ૫૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં ૩.૬૬ ઇંચ, પેટલાદમાં ૨.૯૧ ઇંચ, સુરત શહેરમાં ૨.૪ ઇંચ, કામરેજમાં ૨.૩૬ ઇંચ અને ધરમપુરમાં ૧.૮૧ ઇંચ વરસાદ પડ્યો છે.

કરોડો રૂપિયાના આંધણ છતાં સુરતની આવી દુર્દશા માટે જવાબદાર કોણ? તેવો સવાલ હવે દરેક સુરતીના મનમાં ઉઠી રહ્યો છે. માત્ર ૪ ઇંચ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ તંત્રના ભ્રષ્ટાચાર પર મહોર મારી રહ્યું છે.

આ પણ વાંચો: ડભોઈમાં મેઘમહેર: ચોમાસાના પ્રથમ વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીની લાગણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *