CBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 9 અને 10 માટે 3 ભાષાઓ ભણવી ફરજિયાત, વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનું ભારણ ઘટાડવા લેવાયો મહત્વનો નિર્ણય

CBSE Three Language Rule દેશમાં મલ્ટિલિંગ્વલ (બહુભાષી) શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે CBSE બોર્ડ દ્વારા એક મોટો વહીવટી આદેશ જારી કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, ૧ જુલાઈ ૨૦૨૬ થી ધોરણ 9 માં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓ (જેને R1, R2 અને R3 તરીકે ઓળખવામાં આવશે) નો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે. જોકે, વિદ્યાર્થીઓ પર ભણતરનો બિનજરૂરી બોજ ન વધે તે માટે બોર્ડે મૂલ્યાંકન પદ્ધતિમાં પણ મોટી રાહત આપી છે.

CBSE Three Language Rule ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ રાખવી અનિવાર્ય

નવા નિયમો અનુસાર, શાળાઓ અને વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની ભાષા પસંદ કરી શકશે પરંતુ તેમાં કેટલીક ચોક્કસ શરતો રાખવામાં આવી છે:

નવા ત્રિ-ભાષા ફોર્મ્યુલા અંતર્ગત વિદ્યાર્થીઓએ જે ત્રણ ભાષાઓ પસંદ કરવાની રહેશે, તેમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય (સ્થાનિક) હોવી અનિવાર્ય છે. જો કોઈ વિદ્યાર્થી ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ કે અન્ય કોઈ વિદેશી ભાષા રાખવા માંગતો હોય, તો તે ત્રીજી ભાષા તરીકે માત્ર ત્યારે જ પસંદ કરી શકશે જ્યારે બાકીની બે ભાષાઓ ભારતીય હોય. આ ઉપરાંત વિદેશી ભાષાઓને ચોથા વૈકલ્પિક વિષય તરીકે પણ ભણી શકાશે. સામાન્ય રીતે મોટાભાગની શાળાઓમાં અંગ્રેજી પ્રથમ ભાષા (R1) તરીકે ચાલુ રહેશે.

ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાંથી ત્રીજી ભાષાને મુક્તિ

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે આ ત્રીજી ભાષા (R3) ની કોઈ પણ પ્રકારની ઔપચારિક બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં.

બોર્ડે સ્પષ્ટતા કરી છે કે ધોરણ 10 ના સ્તરે ત્રીજી ભાષા માટે કોઈ બાહ્ય બોર્ડ એક્ઝામ નહીં થાય, પરંતુ તેનું તમામ મૂલ્યાંકન સંપૂર્ણપણે શાળા કક્ષાએ ‘ઇન્ટરનલ એસેસમેન્ટ’ (આંતરિક મૂલ્યાંકન) દ્વારા જ કરવામાં આવશે. જોકે, વિદ્યાર્થીએ આ વિષય પાસ કરવો જરૂરી રહેશે અને તેના ગ્રેડ કે માર્ક્સની વિગત ફાઇનલ CBSE સર્ટિફિકેટમાં સત્તાવાર રીતે દર્શાવવામાં આવશે. આ નિર્ણય પાછળનો હેતુ વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરવાના બદલે ભાષા શીખવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે તેવો છે.

શૈક્ષણિક સત્ર વચ્ચે જ ટ્રાન્ઝિશનલ પ્લાન લાગુ

સામાન્ય રીતે CBSE નું શૈક્ષણિક સત્ર એપ્રિલ મહિનાથી શરૂ થઈ જતું હોય છે, તેથી ચાલુ વર્ષે વિદ્યાર્થીઓમાં અસમંજસ ન ફેલાય તે માટે બોર્ડે ‘ટ્રાન્ઝિશનલ એપ્રોચ’ (વચગાળાની વ્યવસ્થા) અપનાવી છે.

નવો નિયમ માત્ર ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માં ધોરણ 9 માં આવનારા વિદ્યાર્થીઓ માટે જ અમલી બનશે. જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ જૂના માળખા મુજબ જ પોતાની બોર્ડ પરીક્ષા આપશે. આ ઉપરાંત, નવી પુસ્તકો બજારમાં ન આવે ત્યાં સુધી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ત્રીજી ભાષાના અભ્યાસ માટે ધોરણ 6 કક્ષાના પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરી શકશે. તમામ શાળાઓને ૩૦ જૂન ૨૦૨૬ સુધીમાં પોતાના ત્યાં ઉપલબ્ધ ભાષાઓની વિગતો ઓએસિસ (OASIS) પોર્ટલ પર અપડેટ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *