Elon Musk vs Ambani અમેરિકન ઉદ્યોગપતિ અને SpaceXના માલિક એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. અહેવાલ મુજબ તેમણે સીધો સવાલ કર્યો, “શું અંબાણી ભારતના અસલી બોસ છે?” મસ્કે પૂછ્યું કે સ્ટારલિંકને 165થી વધુ દેશોમાં લાઇસન્સ મળ્યું છે અને ભારત સરકારના દરેક કાયદા અને જરૂરિયાતનું પાલન કરવામાં પાંચ વર્ષ વીતી ગયાં છે, તો હજી સુધી લાઇસન્સ કેમ નથી મળ્યું?
Elon Musk vs Ambani સરકારનો જવાબ
આ પહેલાં સરકારે સ્ટારલિંકની સેટકોમ સેવાઓ રોકવાના મસ્કના કથિત આરોપોનું ખંડન કર્યું હતું. સરકારે સ્પષ્ટ કર્યું કે દેશમાં કોઈ પણ સેટેલાઇટ કોમ્યુનિકેશન લાઇસન્સધારક માટે સુરક્ષા નિયમોનું પાલન સૌથી જરૂરી અને પ્રથમ શરત છે. સરકારના ખંડનના કેટલાક કલાકોમાં જ મસ્કે X પર આ સવાલ પૂછ્યો.
રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મસ્કની X પોસ્ટના જવાબમાં લખ્યું, “ભારતમાં આપનું સ્વાગત છે, એલન. જ્યાં સુધી તમે પેલા બીજા વ્યક્તિ વિશે જાણો નહીં ત્યાં સુધી રાહ જુઓ.”
શું છે સમગ્ર મામલો?
સ્ટારલિંક કેટલાંક વર્ષોથી ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરવાના પ્રયાસમાં છે. કંપનીને જૂન 2025માં GMPCS લાઇસન્સ અને જુલાઈ 2025માં In-SPACeની પરવાનગી મળી છે. કંપનીએ ગ્રાઉન્ડ સ્ટેશન અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવ્યાં છે, પરંતુ સુરક્ષા તપાસ, વિદેશી રોકાણની મંજૂરી અને સ્પેક્ટ્રમ ફાળવણી બાકી છે.
SpaceXમાં સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સનાં વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયરે બુધવારે જણાવ્યું કે કંપનીએ ભારતના નિયમનકારી અને સુરક્ષા માપદંડો પૂરા કરવા ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું છે. સ્ટારલિંકે ભારતમાં સેંકડો એન્ટેનાથી સજ્જ 20 ગેટવે સાઇટ્સ બનાવી છે, અને ભારતીય યુઝર્સનો ડેટા દેશમાં જ સુરક્ષિત રહે તે માટે નિયંત્રણ વ્યવસ્થાઓ પણ અમલમાં મુકાઈ છે.
વિવાદ કેમ વધ્યો?
સરકારે ત્રણ કંપનીઓ, એટલે મસ્કની સ્ટારલિંક, રિલાયન્સ જિયોની જિયો સેટકોમ અને ભારતી સમર્થિત યુટેલસેટ વનવેબને લાઇસન્સ આપ્યાં છે. પરંતુ જરૂરી સુરક્ષા સમીક્ષા અને સ્પેક્ટ્રમ સંબંધિત મંજૂરીઓ પૂરી થયા સુધી કોઈ કંપની સેવા શરૂ કરી શકતી નથી.
ટેલિકોમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે આ પ્રક્રિયાના ભાગરૂપે ત્રણેય લાઇસન્સધારકોની સુરક્ષા ચકાસણી હાલ ચાલી રહી છે. સંચાર રાજ્ય મંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું કે કેસ ગૃહ મંત્રાલય (MHA) પાસે પડતર છે અને કોઈ ચોક્કસ કંપની સાથે જોડાયેલો નથી. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ઉપરાંત પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ટેલિકોમ વિભાગે તમામ સેટકોમ કંપનીઓનાં લાઇસન્સ અને વચગાળાનું સ્પેક્ટ્રમ જાહેર કરી દીધું છે, અને ગૃહ મંત્રાલયની લીલી ઝંડી મળતાં જ મંજૂરી મળી જશે.મંત્રીની ટિપ્પણી મસ્કના X પરના આરોપોના એક દિવસ બાદ આવી, જેમાં કહેવાયું હતું કે કેટલાક ઉદ્યોગપતિ એકાધિકાર બચાવવા સ્ટારલિંકનો રસ્તો રોકી રહ્યા છે. જોકે મસ્કે પોતાની પોસ્ટમાં કોઈ કંપનીનું નામ લીધું નહોતું.

