ESIC Amnesty Scheme 2025 હેઠળ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા નિયોજકો અને વીમિત કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. નિગમે આ યોજનાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2026થી લંબાવીને હવે 31 ડિસેમ્બર 2026 કરી છે. આ નિર્ણયથી કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ હેઠળના પાત્ર પડતર વિવાદોનો ઉકેલ લાવવા માટે સંબંધિત પક્ષકારોને વધુ સમય મળશે.
આ યોજના ખાસ કરીને લાંબા સમયથી કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવા માટે શરૂ કરવામાં આવી છે. તેનો હેતુ કાનૂની વિવાદોનું ભારણ ઘટાડવા ઉપરાંત નિયોજકો અને વીમિત વ્યક્તિઓને નિયમોનું સ્વૈચ્છિક પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો છે.
ESIC Amnesty Scheme 2025માં કયા કેસોનો થઈ શકે નિકાલ?
આ યોજના એક વખતના વિવાદ સમાધાનની વ્યવસ્થા છે. તેમાં કર્મચારી અને નિયોજકો સામે દાખલ થયેલા પાત્ર પડતર ફોજદારી કેસો પાછા ખેંચવાની જોગવાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ESIC અધિનિયમની કલમ 75 હેઠળ ESI કોર્ટમાં પડકારાયેલા વિવાદો અને કલમ 82 હેઠળની અપીલ સંબંધિત કેસોનું પણ સમાધાન થઈ શકે છે.
યોજનાની જોગવાઈઓ મુજબ, કેટલાક કિસ્સાઓમાં નિયોજકો બાકી મૂળ રકમ અને વ્યાજ ચૂકવે તો દંડમાં રાહત મળી શકે છે. જ્યારે અન્ય પાત્ર કિસ્સાઓમાં વિવાદિત દંડની માત્ર 10 ટકા રકમ ચૂકવીને કેસનો નિકાલ કરવાની જોગવાઈ જણાવાઈ છે. જોકે, આ લાભ દરેક કેસમાં આપમેળે લાગુ પડતો નથી. પાત્રતા અને ચોક્કસ શરતો મુજબ જ તેનો લાભ મળી શકે છે. 31 માર્ચ 2025 સુધીમાં દાખલ થયેલા કોર્ટ કેસો આ યોજના હેઠળ પાત્ર ગણાવાયા છે.
ESIC દ્વારા નિયોજકો, નિયોજક સંગઠનો, શ્રમિક સંગઠનો અને અન્ય હિતધારકોને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે નજીકની ESIC પ્રાદેશિક અથવા ઉપપ્રાદેશિક કચેરીનો સંપર્ક કરી શકાય છે. વેબસાઇટ www.esic.gov.in અને www.esic.in પર પણ વિગતો ઉપલબ્ધ છે. અમદાવાદ પ્રાદેશિક કચેરીનો સંપર્ક નંબર 079-27582400 / 450 અને ઈ-મેઈલ rd-gujarat@esic.gov.in છે.

