Gujarat Digital Certificates Round Seal: ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને લોકઉપયોગી પહેલ કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, હવે ડિજિટલ પોર્ટલ મારફતે નાગરિકોને આપવામાં આવતા તમામ પ્રમાણપત્રો અને દાખલાઓ પર તે જારી કરનાર સક્ષમ અધિકારીની કચેરીની વિગતો સાથેનો અધિકૃત ગોળ સિક્કો (Round Seal) દર્શાવવામાં આવશે. આ નવી વ્યવસ્થા અમલમાં આવવાથી પ્રમાણપત્ર મેળવ્યા બાદ સિક્કો લગાવવા માટે સંબંધિત સરકારી કચેરીઓમાં અલગથી ધક્કા ખાવાની જરૂરિયાત કાયમી ધોરણે ઘટી જશે.
અગાઉની વ્યવસ્થા મુજબ, ડિજિટલ પોર્ટલ પરથી ઈ-પ્રમાણપત્રો મળ્યા પછી પણ અરજદારોએ સક્ષમ અધિકારીનો ગોળ સિક્કો કરાવવા માટે રૂબરૂ કચેરીમાં જવું પડતું હતું, જેના કારણે નાગરિકોના સમય અને શ્રમનો વ્યય થતો હતો તેમજ કામગીરીમાં વિલંબ થતો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્ર દ્વારા આ મુશ્કેલીને દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
Gujarat Digital Certificates Round Seal: નાગરિકોના સમય અને શ્રમની થશે મોટી બચત
‘ડિજિટલ ગુજરાત 2.0’ અંતર્ગત સરકારી સેવાઓને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે ડિજિટલ અને કાગળવિહોણી (Paperless) બનાવવાના પ્રયાસોને આ નિર્ણયથી મોટો વેગ મળશે. ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (GPR) અને બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (BPR) ના માધ્યમથી નાગરિકોને ઘરબેઠાં જ તમામ અધિકૃત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ વ્યવસ્થા લાગુ થવાથી નાગરિકોને સિક્કો કરાવવા માટે કચેરીની વધારાની મુલાકાત લેવાની જરૂરિયાત ઘટશે, જેનાથી મુસાફરીનો ખર્ચ, સમય અને શ્રમની મોટી બચત થશે. પ્રમાણપત્ર જારી કરનાર સક્ષમ અધિકારીની કચેરીની વિગતો અને અધિકૃત સિક્કાથી દસ્તાવેજની ઓળખ વધુ સ્પષ્ટ બનશે અને ઓનલાઇન સરકારી સેવાઓ વધુ સુગમ બનશે.

