Bangladesh Social Media Ban: બાંગ્લાદેશની હાઈકોર્ટે 16 વર્ષથી નાનાં બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે સરકારને માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ બાળકો પર સોશિયલ મીડિયાની અસરોનો અભ્યાસ કરવા નિષ્ણાતોની સમિતિ રચવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો.
અરજદારે દલીલ કરી હતી કે સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે કોઈ નીતિ બનાવી શકી નથી. આ મુદ્દે સુનાવણી કરતાં જસ્ટિસ સિકદર મહમુદુર રાજી અને જસ્ટિસ ફાતિમા અનવરની ખંડપીઠે ટપાલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારીઓને જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.
Bangladesh Social Media Ban: બાળકો પર અલ્ગોરિધમની અસરો તપાસશે નિષ્ણાત સમિતિ
કોર્ટના આદેશ મુજબ, નિષ્ણાત સમિતિમાં સાયબર સુરક્ષા નિષ્ણાતો, બાળ મનોવૈજ્ઞાનિકો, બાળરોગ નિષ્ણાતો અને કાનૂની નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે.
આ સમિતિ ખાસ કરીને અલ્ગોરિધમ આધારિત કન્ટેન્ટ અને ફીડની બાળકો પર થતી અસરોનું મૂલ્યાંકન કરશે. સોશિયલ મીડિયા પર બાળકોને કયા પ્રકારનું કન્ટેન્ટ જોવા મળે છે, તેની તેમના વર્તન પર કેવી અસર થાય છે અને તેમના સર્વાંગી વિકાસ પર શું પ્રભાવ પડે છે, તે બાબતોનો અભ્યાસ કરવામાં આવશે.
બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવાના મુદ્દે વિશ્વના અનેક દેશોમાં પણ ચર્ચા અને કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ઑસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. બ્રાઝિલમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના એકાઉન્ટ માતા-પિતા અથવા વાલીઓ સાથે જોડવાની જોગવાઈ છે. ચીનમાં બાળકો માટે ઉંમર આધારિત ઉપયોગ સમય અને નિયંત્રણો ધરાવતો માઇનોર મોડ અમલમાં છે.
જર્મનીમાં 13થી 16 વર્ષનાં બાળકો માટે માતા-પિતાની સંમતિ જરૂરી છે, જ્યારે ઇટાલીમાં 14 વર્ષથી નાનાં બાળકોને એકાઉન્ટ બનાવવા માટે વાલીની મંજૂરી લેવી પડે છે.
ગ્રીસે 15 વર્ષથી નાનાં બાળકો માટે 1 જાન્યુઆરી 2027થી પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરી છે. ફ્રાન્સમાં પણ 15 વર્ષથી નાનાં બાળકો માટે પ્રતિબંધનો ખરડો સેનેટની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. બ્રિટન પણ 16 વર્ષથી નાનાં બાળકો માટે આવા પ્રતિબંધ અંગે વિચારણા કરી રહ્યું છે.

