Hidden Diabetes Signs એટલે ડાયાબિટીસનાં એવા ઓછા જાણીતા લક્ષણો, જે ઘણીવાર લોકોનું ધ્યાન ખેંચતા નથી. સામાન્ય રીતે વારંવાર પેશાબ આવવો, વધુ તરસ લાગવી અને ભૂખ વધવી ડાયાબિટીસનાં મુખ્ય સંકેતો ગણાય છે. જોકે, ટાઇપ 2 ડાયાબિટીસ ધીમે ધીમે વિકસતો હોવાથી ત્વચા પર કાળા ડાઘ, વારંવાર ચેપ લાગવો અને પગમાં બળતરા જેવા ફેરફારો પણ જોવા મળી શકે છે.
ડાયાબિટીસ એવી લાંબા ગાળાની સ્થિતિ છે, જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અથવા તેનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. પરિણામે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. પી.ડી. હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરના એન્ડોક્રિનોલોજી વિભાગનાં કન્સલ્ટન્ટ ડૉ. ફૂલરેણુ ચૌહાણના જણાવ્યા અનુસાર, ગ્લુકોઝનું પ્રમાણ લાંબા સમય સુધી વધારે રહે તો શરીરના વિવિધ અંગો પર અસર થઈ શકે છે.
Hidden Diabetes Signs: આ પાંચ ફેરફારોને અવગણશો નહીં
1. ત્વચા પર કાળા અને મખમલી ડાઘ: ગરદન, બગલ અને જાંઘના વળાંકવાળા ભાગોમાં ઘેરા રંગના જાડા ડાઘ દેખાવા એકન્થોસિસ નિગ્રિકન્સ તરીકે ઓળખાય છે. તેનો સંબંધ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સાથે હોઈ શકે છે અને તે પ્રી-ડાયાબિટીસ અથવા ટાઇપ 2 ડાયાબિટીસનો સંકેત બની શકે છે.
2. વારંવાર ચેપ લાગવો: ત્વચા, પેશાબની નળી અથવા ફંગલ ચેપ વારંવાર થવો પણ લોહીમાં ગ્લુકોઝ વધવાના સંકેતોમાં સામેલ હોઈ શકે છે.
3. ઘા મોડા રૂઝાવા: નાનો કાપો, ફોલ્લો કે ઈજા લાંબા સમય સુધી ન રૂઝાય તો તેની તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને પગમાં થતા ઘાને અવગણવા નહીં.
4. પગમાં બળતરા અને ઝણઝણાટી: હાથ-પગમાં સુન્નપણું, સોય ભોંકાતી હોય તેવી લાગણી અથવા બળતરા ડાયાબિટિક ન્યુરોપેથીના સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં ચેતાતંતુઓને નુકસાન થઈ શકે છે.
5. ધૂંધળું દેખાવું: લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી દૃષ્ટિમાં ફેરફાર થઈ શકે છે. લાંબા સમય સુધી અનિયંત્રિત ડાયાબિટીસ રહે તો આંખની રેટિનાને પણ નુકસાન થઈ શકે છે.
ડાયાબિટીસની તપાસ ક્યારે કરાવવી?
આ લક્ષણોમાંથી કોઈ એક દેખાય એટલે ડાયાબિટીસ હોવાની પુષ્ટિ થતી નથી. જોકે, લક્ષણો સતત રહે અથવા વારંવાર જોવા મળે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ, જમ્યા પછીનો બ્લડ ગ્લુકોઝ અને HbA1c ટેસ્ટ દ્વારા ડાયાબિટીસની તપાસ થઈ શકે છે. HbA1c છેલ્લા આશરે ત્રણ મહિનાના સરેરાશ બ્લડ શુગરની માહિતી આપે છે.
સમયસર નિદાન અને યોગ્ય સારવારથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં તથા તેની લાંબા ગાળાની જટિલતાઓનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.

