UCC in Gujarat – ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કાયદાનો અમલ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કાયદાની અમલીકરણ પ્રક્રિયા પર કામ કરશે અને લોકોના સૂચનો અને અભિપ્રાયો સાંભળશે.
UCC in Gujarat – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે જણાવ્યું કે, “ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.” તેમણે પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો, જેમણે “સામાન હક” માટે UCC લાવવાનો નિર્ણય લીધો છે. આ માટે, ગુજરાત સરકાર દેશના સંવિધાન અને ધર્મનિષ્ઠાની ઉપર પ્રવર્તતી એકતા અને સમાનતા પ્રદાન કરવા માટે આગળ વધી રહી છે.આ સાથે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાત PMના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ છે,” અને ગુજરાત રાજ્યમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, “ભારતમાં સંવિધાનના 75 વર્ષ પુર્ણ થયા છે અને તે સમયે પ્રધાનમંત્રીએ દેશભરમાં UCC લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
શું છે યુસીસી
સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરશે, જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયોને તેમની વ્યક્તિગત બાબતો જેમ કે મિલકત, લગ્ન, વારસો અને દત્તક વગેરેમાં લાગુ પડશે. આનો અર્થ એ થયો કે ધર્મ પર આધારિત હાલના અંગત કાયદાઓ, જેમ કે હિંદુ મેરેજ એક્ટ (1955), હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ (1956) અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ (1937) લાગુ રહેશે નહીં.
દેશમાં આ મામલે ઘણી ચર્ચા અને વિવાદો ચાલી રહ્યા છે. ભાજપના 2019ના ચૂંટણી ઢંઢેરાનું આ એક મહત્વનું વચન હતું. જોકે આ મામલે રાજ્યોને પણ અમુક સત્તાઓ આપવામાં આવે છે અને તેના લીધે અમુક વ્યવહારિક અડચણો ઊભી થવાની પણ સંભાવના છે.
આ પણ વાંચો – સોનભદ્રમાં ગમખ્વાર અકસ્માત, મહાકુંભમાં જતા પરિવારની કારને ટ્રકે ટક્કર મારતા 6 લોકોના મોત