બાંગ્લાદેશના અનેક શહેરામાં ભારે હિંસા, શેખ મુજીબુર રહેમાનના ઘરને ચાંપી આગ

બાંગ્લાદેશથી મોટા હંગામાના સમાચાર આવી રહ્યા છે. 6 ફેબ્રુઆરીના રોજ અવામી લીગના પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલા, રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના ઘણા શહેરોમાં હિંસા શરૂ થઈ ગઈ છે. દેખાવકારોએ ઢાકાના ધનમોંડી વિસ્તારમાં સ્થિત શેખ મુજીબુર રહેમાનના ઘર પર હુમલો કર્યો છે.

હુમલાખોરો બુલડોઝર લઈને પહોંચ્યા હતા. તેઓએ શેખ મુજીબુર રહેમાનના ઘરને આગ લગાવી દીધી. અવામી લીગના હજારો સમર્થકો, કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ શેખ હસીનાની પાર્ટી અવામી લીગે પોતાના કાર્યકરો અને નેતાઓને રસ્તા પર ઉતરવાની અપીલ કરી હતી.

અવામી લીગ ગુરુવારે બાંગ્લાદેશમાં હાઈવે સહિત અનેક શહેરોને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ કરીને બ્લોક કરવાની તૈયારી કરી રહી હતી. અવામી લીગે મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વર્તમાન વચગાળાની સરકાર અને અવામી લીગના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ હિંસાના વિરોધમાં વિશાળ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.

અવામી લીગના પ્રદર્શનની માત્ર એક સાંજે બાંગ્લાદેશમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ બદમાશોએ ગેટ તોડીને શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ વિરોધ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા આપવામાં આવેલા ઓનલાઈન ભાષણના જવાબમાં શરૂ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *