બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન-અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8500 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા અને 2.50 લાખ સ્કવેર મીટરની જમીન ખાલી કરવામાં આવી હતી. હવે ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બાપુનગરના અકબરનગરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અજીત મિલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળ જે વસાહત આવેલી ત્યાંથી માત્ર બે કલાકમાં અંદાજે 450થી વધુ છાપરાં અને નાના-મોટા કાચાં-પાકાં મકાનો દૂર કરવામાં આવ્યાં છે.
બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન – અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 5 જેસીબી અને 8થી વધુ હિટાચી મશીનથી આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, તંત્ર દ્વારા લોકોને મકાન ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અહીં રહેતા 221 લોકોને 2014માં વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યાં હતાં. તેમ છતાં તેમાંથી 76 લોકો હજી અહીં વસવાટ કરી રહ્યાં હોવાથી તંત્ર દ્વારા ગેરકાયદે મકાનોને તોડી પાડવામાં આવ્યાં છે.
એએમસી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બે કલાકમાં 450થી વધુ છાપરાં હટાવ્યાં બાદ હવે કાટમાળને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે રખિયાલ વિસ્તારમાં ગરીબનગર નજીક પણ 268, 269 અને 267 સર્વે નંબરો હેઠળ આવેલી જમીન પર બનેલા અનધિકૃત 400 જેટલા કાચા અને પાકા ઘરોને તોડી પાડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો- ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન, બે લોકોના મોત