Ahmedabad 615th Foundation Day : અમદાવાદ: સાબરમતીના પવિત્ર તીરે વસેલું અને ભારતનું પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નું બિરુદ ધરાવતું આપણું અમદાવાદ આજે તેનો ૬૧૫મો ગૌરવશાળી સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ઈ.સ. ૧૪૧૧માં ૨૬ ફેબ્રુઆરીના રોજ જ્યારે સુલતાન અહેમદશાહે આ ઐતિહાસિક શહેરનો પાયો નાખ્યો, ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ શહેર ભવિષ્યમાં ભારતનું ‘માન્ચેસ્ટર’ અને સંસ્કૃતિનું અદભૂત કેન્દ્ર બનશે. (લામેદૂદનો અર્થ: અનંત, જેની કોઈ સીમા નથી, જે કયામત સુધી આબાદ રહેવાનું છે.)

Ahmedabad 615th Foundation Day : જામા મસ્જિદ:
ચાર ‘અહેમદ’ અને અમદાવાદનો પાયો
અમદાવાદની સ્થાપના પાછળ એક અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. સુલતાન અહેમદશાહે સરખેજ રોજાના મહાન સૂફી સંત હઝરત શેખ અહેમદ ખટ્ટુ ગંજબક્ષની પરવાનગી અને માર્ગદર્શન હેઠળ શહેર વસાવવાનો નિર્ણય લીધો હતો. માન્યતા મુજબ, આ શહેરનો પાયો એવા ચાર ‘અહેમદ’ દ્વારા નાખવામાં આવ્યો હતો. આ પાયો એવા ચાર ‘અહેમદ’ દ્વારા નાખવામાં આવ્યો હતો જેમણે જીવનમાં ક્યારેય પણ એક પણ નમાઝ ‘કઝા’ કરી ન હતી (એટલે કે ક્યારેય નમાઝ છૂટી ન હતી). આ ચાર અહેમદ હતા.
હઝરત શેખ અહેમદ ખટ્ટુ ગંજબક્ષ: (તેમની મજાર સરખેજ રોજામાં આવેલી છે).
સુલતાન અહેમદશાહ: (તેમની મજાર (કબર) માણેકચોક પાસે બાદશાહનો હજીરા તરીકે ઓળખાય છે).
શેખ અહેમદ (તેમની મજાર(કબર) કાલુપુર રેલવે સ્ટેશન પર છે.).
મુલ્લા અહેમદ: (તેમની મજાર (કબર) પણ ઐતિહાસિક સ્ત્રોતો મુજબ પાટણ વિસ્તારમાં આવેલી છે).
આ ચાર પવિત્ર વ્યક્તિઓએ માણેક બુરજ પાસે શહેરની પ્રથમ ઇંટ મૂકી હતી.

અમદાવાદના ઐતિહાસિક ઇંમારત
અમદાવાદ માત્ર પથ્થરોનું શહેર નથી, પણ કળા અને સ્થાપત્યની જીવંત મિસાલ છે:

સીદિ સૈયદની જાળી: પથ્થરમાં કંડારેલી વનસ્પતિની આ જાળી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેની બારીકાઈ જોઈને આજે પણ એન્જિનિયરો આશ્ચર્યચકિત થઈ જાય છે.

કાંકરિયા લેક: સુલતાન કુતબુદ્દીન દ્વારા નિર્મિત ‘હોઝ-એ-કુતબ’ આજે અમદાવાદનું સૌથી મોટું મનોરંજન કેન્દ્ર છે.
જામા મસ્જિદ: પીળા બલુઆ પથ્થરથી બનેલી આ મસ્જિદ હિન્દુ-મુસ્લિમ સ્થાપત્ય શૈલી (ઇન્ડો-સારાસેનિક)નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અહેમદશાહ બાદશાહનો રોજો: ભદ્રના કિલ્લા પાસે આવેલો આ રોજો શહેરના સ્થાપક પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક છે.
માણેકચોક: જ્યાં ધબકે છે ઇતિહાસ
અમદાવાદનું હૃદય ગણાતા માણેકચોકમાં ‘બાદશાહનો હજારો’ આવેલો છે, જ્યાં સુલતાન અહેમદશાહ આરામ ફરમાવી રહ્યા છે. તેની બરાબર સામે ‘રાણીનો હજારો’ છે. આજે પણ દરરોજ સાંજે અહીં નગારા વગાડીને બાદશાહને સલામી આપવાની પરંપરા જીવંત છે, જે આપણને 600 વર્ષ જૂના ઈતિહાસની યાદ અપાવે છે.
આજનો અમદાવાદ
આજે અમદાવાદ માત્ર હેરિટેજ પોળ પૂરતું સીમિત નથી, પરંતુ રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને મેટ્રો ટ્રેન સાથે આધુનિકતાના શિખરો સર કરી રહ્યું છે. યુનેસ્કો હેરિટેજ સિટી હોવાને કારણે, જૂના શહેરની ઘણી હવેલીઓનું રિનોવેશન કરીને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
આધુનિક અમદાવાદના સીમાચિહ્નો
સાબરમતી રિવરફ્રન્ટ:

સાબરમતી નદીના કિનારે બનેલો આ રિવરફ્રન્ટ શહેરની સુંદરતામાં વધારો કરે છે અને પર્યાવરણની જાળવણી સાથે મનોરંજનનું ઉત્તમ સ્થળ પૂરું પાડે છે. તે વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે, જ્યાં રિવર ક્રુઝ અને ઈવેન્ટ સેન્ટર જેવા આકર્ષણો પણ આવેલા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (મોટેરા):

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેની બેઠક ક્ષમતા ૧,૩૨,૦૦૦થી વધુ પ્રેક્ષકોની છે. આ સ્ટેડિયમે અત્યાધુનિક સુવિધાઓ અને વિશાળ કદ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે.
સાયન્સ સિટીની એક્વેટિક અને રોબોટિક ગેલેરી:

સાયન્સ સિટી ખાતે બનેલી એક્વેટિક ગેલેરી ભારતની સૌથી મોટી એક્વેરિયમ ઇમારત છે. તેનું આધુનિક આર્કિટેક્ચર અને અદભૂત ડિઝાઇન તેને માત્ર ભણવા માટે જ નહીં પણ જોવાલાયક આધુનિક ઇમારત તરીકે સ્થાપિત કરે છે.
ધન્ય છે આ માટી અને ધન્ય છે આ શહેર! ફરી એકવાર, અમદાવાદને જન્મદિવસ મુબારક!

