સ્વચ્છ સર્વેક્ષણ 2024 :ગુજરાતનું અમદાવાદ શહેર સ્વચ્છતાના ક્ષેત્રે નવો ઇતિહાસ રચવામાં સફળ રહ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત, ગુજરાતનું જ સુરત શહેર ‘સુપર સ્વચ્છ લીગ’માં બીજા ક્રમે રહ્યું, જેનો એવોર્ડ પણ મેળવ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ દેશની રાજધાની દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરવામાં આવી હતી.
સ્વચ્છ સર્વેક્ષણ 2024: ના પરિણામો અનુસાર, અમદાવાદે 2015માં 15મો ક્રમ ધરાવતું હતું, પરંતુ સતત પ્રયાસો અને અસરકારક કચરા વ્યવસ્થાપનના પરિણામે આ વર્ષે દેશનું સૌથી સ્વચ્છ મહાનગર બનવાનું ગૌરવ મેળવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ કચરાના સંગ્રહણ, વિભાજન અને રિસાયક્લિંગ જેવી પહેલો દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
સ્વચ્છ ભારત મિશન-અર્બન (SBM-U) હેઠળ યોજાતું સ્વચ્છ સર્વેક્ષણ વિશ્વનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ છે, જેમાં 4,500થી વધુ શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ વર્ષે “Reduce, Reuse, Recycle” થીમ પર આધારિત આ સર્વેક્ષણમાં 10 પરિમાણો અને 54 સૂચકાંકોના આધારે શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. 3,000થી વધુ પ્રશિક્ષિત મૂલ્યાંકનકારો દ્વારા 45 દિવસ સુધી દરેક વોર્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 14 કરોડથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો
આ પણ વાંચો- ગુજરાતના સાંસદોના MPLAD ફંડનો માત્ર 4.2 ટકાનો જ ઉપયોગ