મેકડોનાલ્ડ્સ પર AMCની કાર્યવાહી: ગુજરાતીઓની ખાણીપીણીની શોખીનતા કોઈનાથી છુપી નથી. ધંધામાં નિપુણ ગુજરાતીઓ નવા-નવા વ્યંજનોનો સ્વાદ માણવામાં પણ એટલા જ આગળ છે. અમદાવાદ જેવા શહેરોમાં લોકો બહારના ખોરાક, ખાસ કરીને પિઝા, બર્ગર અને સેન્ડવીચ જેવા ફાસ્ટ ફૂડના દિવાના છે. પરંતુ, આ શોખની વચ્ચે પ્રહલાદનગરમાં બનેલી એક ઘટનાએ લોકોની આસ્થા અને સ્વાસ્થ્ય પર સવાલ ઉભા કર્યા છે. પ્રહલાદનગરની સફલ પેગાસુસ બિલ્ડિંગમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં વેજ અને નોનવેજ ભોજન એક જ કિચનમાં અને એક જ વાસણો-સાધનો વડે બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના આરોગ્ય વિભાગે આ આઉટલેટને સીલ મારી દીધું છે.
મેકડોનાલ્ડ્સ પર AMCની કાર્યવાહી: પ્રહલાદનગરની સફલ પેગાસુસ બિલ્ડિંગમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં વેજ અને નોનવેજ ભોજન એક જ કિચનમાં અને એક જ સાધનો-વાસણોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ એક ગંભીર બેદરકારી છે, કારણ કે વેજ અને નોનવેજ ભોજન માટે અલગ-અલગ કિચન અને સાધનો હોવા જરૂરી છે. આવી પરિસ્થિતિએ લોકોના સ્વાસ્થ્ય અને ધાર્મિક આસ્થા સાથે ચેડા કર્યા હોવાનું જણાય છે. કેટલાક ગ્રાહકોએ નોનવેજને વેજ સમજીને ખાધું હશે, જે ચિંતાનો વિષય છે. ઉપરાંત, અનહાઇજેનિક સ્થિતિ પણ જોવા મળી હતી.આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં ફરિયાદ નોંધાતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લીધાં. તપાસમાં ગેરરીતિ જણાતાં મેકડોનાલ્ડ્સના આ આઉટલેટને સીલ મારી દેવામાં આવ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા એક સપ્તાહમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 198 ખાદ્ય એકમોને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત, ત્રણ એકમોને સીલ કરવામાં આવ્યા છે, જેમાં ગોતા વિસ્તારની ક્રિશ્ના ડેરી, વેજલપુરના શ્રી આંબેશ્વર પ્રોવિઝન સ્ટોર્સ અને હવે પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ સામેલ છે.
આ ઘટના દર્શાવે છે કે ખાણીપીણીના શોખીન ગુજરાતીઓએ હવે વધુ સાવચેત રહેવું જોઈએ. હોટેલ, રેસ્ટોરાં અને ધાબા ચલાવનારાઓએ પણ વેજ અને નોનવેજ ભોજનની તૈયારીમાં પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. AMCનું આરોગ્ય વિભાગ આવા ઉલ્લંઘનો સામે કડક કાર્યવાહી માટે તૈયાર છે.