અમદાવાદ શહેરમાં જાહેર સલામતી અને આરોગ્યસંભાળ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે યોજાઈ હતી. બેઠકમાં અનેક વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં નવા CCTV કેમેરા લગાવવાનો નિર્ણય, હોસ્પિટલોની ક્ષમતા વધારવાનો અભિગમ અને અંગદાન અંગે જાગૃતિ ઝુંબેશનો સમાવેશ થાય છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે શહેરમાં 2,500 નવા CCTV કેમેરા લગાવવાના રૂ. 20 કરોડના ટેન્ડર ફાળવવામાં આવ્યા છે. હાલ શહેરમાં 5,600 કેમેરા કાર્યરત છે, અને નવા કેમેરા દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તથા નાગરિકોની દેખરેખ સુનિશ્ચિત થશે.
આ ઉપરાંત, આરોગ્યસંભાળમાં સુધારાની દિશામાં પગલા લઈ, દાણીએ વધુમાં જણાવ્યું હતું કે AMC સંચાલિત હોસ્પિટલોના બર્ન વોર્ડમાં બેડની સંખ્યા વધારો કરવામાં આવશે. શારદાબેન હોસ્પિટલ, LG હોસ્પિટલ અને SVP હોસ્પિટલ જેવી પ્રસિદ્ધ હોસ્પિટલોમાં વધુ દર્દીઓ માટે સુવિધાઓનો વિસ્તાર થતો જશે, ખાસ કરીને વારંવાર બનતી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
ઉનાળાની ઋતુમાં સ્વિમિંગ માટે વધતી માંગને પહોંચી વળવા AMC ટૂંક સમયમાં સ્વિમિંગ કોચની ભરતી કરવાની પણ તૈયારીમાં છે.સાથે જ, અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવશે, જેમાં નાગરી આંખની હોસ્પિટલમાં જાગૃતિલક્ષી બેનરો લગાવવામાં આવશે અને નાગરિકોને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.AMC દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયો નાગરિક જીવનની ગુણવત્તા સુધારવા દિશામાં મહત્વપૂર્ણ પગથિયા સાબિત થશે.