Anthropic IPO: શેરબજારમાં લિસ્ટિંગથી કર્મચારીઓ માલામાલ, 5,100થી વધુ કર્મચારીઓ કરોડપતિ બન્યાનો દાવો

Anthropic IPO

Anthropic IPO દ્વારા અમેરિકાના શેરબજારમાં લિસ્ટિંગ સાથે કંપનીએ 81.3 અબજ ડૉલર એટલે કે આશરે ₹7 લાખ કરોડ એકત્ર કર્યાનો અહેવાલ સામે આવ્યો છે. આ સાથે કંપનીએ વિશ્વના સૌથી મોટા IPOનો રેકોર્ડ બનાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 19 નવેમ્બર 2026ના રોજ Nasdaq પર લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી, જોકે બીજા જ દિવસે તેમાં ઘટાડો નોંધાયો હતો.

કંપનીના શેર લિસ્ટ થતાં કર્મચારીઓની સંપત્તિમાં પણ મોટો વધારો થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અંદાજ મુજબ, કંપનીના 5,100થી વધુ કર્મચારીઓ પાસે હવે 10 લાખ ડૉલરથી વધુ કિંમતના શેર છે. આમાંથી આશરે 2,800 કર્મચારીઓના શેરનું મૂલ્ય 1 કરોડ ડૉલરથી વધુ અને આશરે 600 કર્મચારીઓના શેરનું મૂલ્ય 10 કરોડ ડૉલરથી વધુ હોવાનું કહેવાય છે.

Anthropic IPOનું લિસ્ટિંગ અને શેરની કામગીરી

એન્થ્રોપિકે IPOમાં પ્રતિ શેર 83 ડૉલરની કિંમત નક્કી કરી હતી. 19 નવેમ્બરે Nasdaq પર લિસ્ટ થયેલા શેર 111.50 ડૉલરના ભાવે ખુલ્યા હતા અને કારોબાર દરમિયાન 115.10 ડૉલર સુધી પહોંચ્યા હતા. જોકે, દિવસના અંતે શેર 97.17 ડૉલર પર બંધ થયા હતા. આ IPO ભાવ કરતાં આશરે 17 ટકા વધુ હતો.

પરંતુ 20 નવેમ્બરે બીજા દિવસના કારોબારમાં શેરમાં આશરે 8.77 ટકાનો ઘટાડો થયો હતો અને ભાવ 88.65 ડૉલર પર આવી ગયો હતો. તેમ છતાં તે IPOની કિંમત કરતાં ઊંચો રહ્યો હતો.

વર્ષ 2021માં સ્થાપિત થયેલી એન્થ્રોપિકે AI ઉત્પાદનોની વધતી માંગ વચ્ચે ઝડપથી પોતાનો વ્યવસાય વિસ્તાર્યો છે. અહેવાલ મુજબ, કંપનીનું બજારમૂલ્ય એક સમયે 2 ટ્રિલિયન ડૉલરને પણ પાર ગયું હતું અને તેને અમેરિકાની સાતમી સૌથી મોટી કંપની ગણાવવામાં આવી હતી.

Amazon અને Googleને પણ મોટો ફાયદો

કંપનીમાં રોકાણ ધરાવતી Amazon અને Googleને પણ લિસ્ટિંગથી ફાયદો થયો હોવાનો અહેવાલ છે. IPO ફાઇલિંગ અનુસાર, Amazon પાસે એન્થ્રોપિકનો આશરે 14.7 ટકા અને Google પાસે 13.7 ટકા હિસ્સો છે.

શેરના ઊંચા મૂલ્યાંકનથી બંને કંપનીઓના રોકાણની કિંમતમાં વધારો થયો હોવાનું કહેવાય છે. જોકે, બીજા દિવસે ટેક્નોલોજી શેરોમાં વેચવાલી અને AI કંપનીઓના ઊંચા મૂલ્યાંકન અંગેની ચિંતાને કારણે એન્થ્રોપિકના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Crypto Market Crash: બિટકોઇન 9% તૂટ્યો, ઇથેરિયમમાં પણ મોટો ઘટાડો