ગુજરાતમાં CMO ઓફિસ સહિત સરકારી કચેરીઓને બોમ્બ ઉડાવવાની ધમકી

બોમ્બ ઉડાવવાની ધમકી: દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં શાળાઓને બોમ્બ ધમકીઓ મળ્યા બાદ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO), કલેક્ટર કચેરીઓ અને અન્ય મહત્વની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ઘટનાએ રાજ્યના સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે આ ધમકીઓને ગંભીરતાથી લઈને યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે.

બોમ્બ ઉડાવવાની ધમકી: આ ધમકીભર્યા ઈ-મેઈલમાં ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલય, કલેક્ટર કચેરીઓ અને અન્ય મહત્વની સરકારી કચેરીઓને વિસ્ફોટકો દ્વારા ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ ઈ-મેઈલમાં તામિલનાડુના પત્રકારો અને રાજકીય હસ્તીઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જે આ ઘટનાને વધુ જટિલ બનાવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈ-મેઈલમાં પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ બાદ 97 મિનિટની અંદર ગુજરાતની આ કચેરીઓને ધડાકાથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આવી ધમકીઓને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે અને સંબંધિત કચેરીઓને ખાલી કરાવવાની સૂચના આપી છે.

આ ઘટનાને પગલે, ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સાયબર ક્રાઈમ યુનિટ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે. જોકે, હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે પુરાવો મળ્યો નથી. પોલીસે આ ધમકીઓને હોક્સ (ખોટી) ધમકીઓ હોવાની આશંકા વ્યક્ત કરી છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *