CBI Agri loan Anand : આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત વિઠ્ઠલ ઉદ્યોગનગરના એલીકોન હોલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ‘મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ’ કેમ્પેઈનનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની 56 અને અમદાવાદ ઝોનની 59 મળીને કુલ 115 શાખાઓ દ્વારા ખેડૂતોને ₹110 કરોડથી વધુનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત બેંકના કાર્યપાલક નિદેશક ઇ. રતન કુમારે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આગામી ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં આ ધિરાણનો આંકડો વધીને ₹200 કરોડને આંબી જશે.

CBI Agri loan Anand: કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર
કાર્યક્રમ દરમિયાન બેંકના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભવો દ્વારા ચરોતરના ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત વક્તાઓએ આધુનિક કૃષિ નાણાકીય વ્યવસ્થા, ટેક્નોલોજી અપગ્રેડેશન અને સરકાર પ્રોત્સાહિત વિવિધ યોજનાઓના મહત્વ વિશે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સાથે જ ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’ હેઠળ વીમાધારક ખેડૂતોના પરિવારજનોને વીમા રકમના ચેકોનું વિતરણ પણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ખેડૂતોને સહાય
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે માત્ર 7% થી શરૂ થતા આકર્ષક વ્યાજદરે કૃષિ લોન આપવાની ભલામણ કરવામાં આવી હતી. બેંક તરફથી સેન્ટ પોલ્ટ્રી, કોલ્ડ સ્ટોરેજ, ફૂડ પ્રોસેસિંગ, ફિશરીઝ, CKCC, ડેરી યોજના (ATL) તેમજ નેશનલ રૂરલ લાઈવિલહુડ મિશન અને પીએમ-કુસુમ (PM-KUSUM) જેવી યોજનાઓ હેઠળ સુલભ સેવાઓ પૂરી પાડવા માટે બેંકની કટિબદ્ધતા દોહરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદ અંચલ પ્રમુખ સુનીલ કુમાર સરકાર, અમદાવાદ ક્ષેત્રીય મેનેજર ગૌરવ કુમાર જૈન, ગાંધીનગર ક્ષેત્રીય મેનેજર ચંદન કુમાર ઝા, આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. ચિંતન પટેલ અને અગ્રણી જગદીશ પાટીલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભવોએ ખેડૂતોને સમયસર નાણાકીય સહાય મેળવીને આધુનિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.
આ પણ વાંચો: આણંદમાં લોક અદાલતમાં ઐતિહાસિક સમાધાન, લાલાભાઇ વકીલે અકસ્માત કેસમાં 96 લાખ વળતર અપાવ્યું

