Congress Mega Rally : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષે તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે ‘વોટ ચોરી’ના આક્ષેપો વિરુદ્ધ એક વિશાળ મહારેલી’નું આયોજન કર્યું હતું. આ રેલીનું મુખ્ય સૂત્ર ‘વોટ ચોર, ગદ્દી છોડ’ (Vote Thief, Quit the Throne) રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસનો મુખ્ય દાવો છે કે તાજેતરની ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ થઈ છે અને આ ‘વોટ ચોરી’માં સરકાર તથા ચૂંટણી પંચની મિલીભગત છે. આ રેલીનો હેતુ જનજાગૃતિ ફેલાવવા અને સરકાર પર દબાણ લાવવાનો છે.
ખડગેના આકરા આક્ષેપો
Congress Mega Rally : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ રેલીમાં સંબોધન કરતા ભારપૂર્વક જણાવ્યું કે, મોદી સરકારે સંસદમાં અમારા સવાલોના જવાબ આપ્યા નથી અને ખોટી માહિતી રજૂ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધીએ પુરાવા સાથે સાબિત કર્યું છે કે દેશમાં ‘વોટ ચોરી’ થઈ રહી છે. ખડગેએ વધુમાં આક્ષેપ કર્યો કે દેશની જનતા ભાજપને પસંદ નથી કરતી, તેમ છતાં ભાજપ તમામ નિયમોને અવગણીને ‘વોટ ચોરી’ દ્વારા સરકાર બનાવી રહી છે.
ભાજપનો આક્રમક જવાબ
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસની આ મહારેલીને વિપક્ષનું નિરાશાજનક નાટક ગણાવીને પલટવાર કર્યો હતો. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કોંગ્રેસને સંબોધતા જણાવ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ એ વિચારવું જોઈએ કે તેમને મત કેમ નથી મળતા. તેમણે કહ્યું કે જનતાએ નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીનું કામ, તેમજ દેશનો વિકાસ જોયો છે, તેથી જ તેઓ તેમને મત આપે છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, “તમે રોતા રહો, પણ તમને મત નહીં મળે.”
આ ઉપરાંત, તેમણે રેલીમાં થયેલી નારેબાજીને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવીને તેની નિંદા પણ કરી હતી. બિહાર સરકારના મંત્રી સંતોષ કુમાર સુમને પણ કહ્યું કે, કોંગ્રેસ જ્યારે કશું કરી શકતી નથી, ત્યારે આ પ્રકારની ‘નૌટંકી’ કરીને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. આ મહારેલીએ વિપક્ષ અને સત્તારૂઢ પક્ષ વચ્ચેના રાજકીય તણાવને વધુ ઊંડો બનાવ્યો છે.
આ પણ વાંચો: CEC જ્ઞાનેશ કુમારે સ્ટોકહોમમાં International IDEA નું ચેરશીપ સંભાળ્યું

