ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે જણાવ્યુ હતુ કે આગામી પેટાચૂંટણીઓમાં પાર્ટી બે બેઠકો – વિસાવદર અને કડી – પરથી પોતાનાં ઉમેદવારો સ્વતંત્ર રીતે ઉભા રાખશે અને આમ આદમી પાર્ટી (AAP) સાથે કોઈ બેઠકો વહેંચશે નહીં.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી રાજકીય બાબતોની સમિતિની બેઠકના સમાપન પછી ગોહિલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન છે, પરંતુ ગુજરાતમાં હાલની પરિસ્થિતિમાં અમે અમારી જાતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.”તેમણે ઉમેર્યું હતું કે અગાઉ ભાવનગર અને ભરૂચ બેઠકો AAP માટે છોડી હતી, પણ “ગુજરાતના મતદાતાઓ ત્રીજા પક્ષને મત આપતા નથી, અને AAPએ પાર્ટીનો આધાર કાપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં, લોકોએ વધારે મતો કોંગ્રેસને આપ્યા છે.”
બેઠક દરમિયાન પાર્ટી સંગઠનના પુનર્જીવન અને પુનર્નિર્માણ અંગે વિસ્તૃત યોજના પર પણ ચર્ચા થઈ હતી. રાજ્યમાં આગામી કાર્યક્રમો અને મજબૂત સંગઠન બાંધકામ માટેના પગલાં પર ચર્ચા કરવામાં આવી હતી.ખાસ વાત એ રહી કે શુક્રવારે એક ડઝનથી વધુ AAPના સભ્યો અને પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાયા, જે કોંગ્રેસ માટે રાજ્યની રાજકીય સમીકરણોમાં એક હકારાત્મક સંકેત ગણાય છે.