આણંદ જિલ્લાના હાડગુડ ગામના રહેવાસી, બાળ સાહિત્યકાર લેખક અને સમાજસેવી સૈયદ મહેબૂબઅલી (બાબા)નું બુધવારે અકાળે અવસાન થયું છે. તેમના નિધનથી સૈયદ સમાજ, હાડગુડ ગામજનો, શિક્ષણવિદો અને સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મહેબૂબઅલીએ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે બાળ સાહિત્યમાં નવો માર્ગ કંડાર્યો અને શબ્દચિત્ર, બાળ વાર્તા, બાળ કાવ્યો, ગઝલ અને કવિતા જેવા વિષયોમાં ગહન કાર્ય કર્યું. ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 5 અને 8ના અભ્યાસક્રમમાં તેમના શબ્દચિત્રોને સ્થાન મળ્યું, જે તેમની સર્જનાત્મકતાનું ગૌરવપૂર્ણ પ્રમાણ છે. તેમણે ગુજરાતી, અંગ્રેજી અને અરબી ભાષામાં 2000થી વધુ શબ્દચિત્રો રચ્યા, જે બાળકોના મનમાં શિક્ષણ અને સર્જનાત્મકતાનો પ્રકાશ પાથરે છે.
તેમના બાળ સાહિત્ય સર્જનમાં ગૂલમહોર, પા..પા પગલી, ઘોડિયું જેવી લગભગ 30 પુસ્તકોનું પ્રકાશન થયું, જે બાળકો અને શિક્ષકોમાં ખૂબ લોકપ્રિય રહ્યા. આ ઉપરાંત, તેમણે વિવિધ અખબારોમાં પોતાની કલમનો કસબ અજમાવી, સમાજને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો.
સામાન્ય પરિવારમાંથી ઉભરી આવેલા મહેબૂબઅલીએ અમદાવાદ જિલ્લાની ધોળકાની મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી અને નિવૃત્તિ બાદ હાડગુડ ગામે સ્થાયી થયા. ચાણક્યના કથન, “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ,”ને તેમણે જીવનભર સાકાર કર્યું. તેમણે અનેક વિદ્યાર્થીઓને શિક્ષણનો પ્રકાશ આપી, તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું.
સૈયદ મહેબૂબઅલીના અવસાનથી શિક્ષણ અને સાહિત્ય જગતે એક બહુમુખી પ્રતિભા ગુમાવી છે. તેમની ખોટ કદી ન પૂરાય તેવી છે, પરંતુ તેમનું સર્જન અને શિક્ષણ પ્રત્યેનું સમર્પણ હંમેશાં પ્રેરણાદાયી રહેશે. મહેબૂબઅલી સૈયદને એક ભાવભીની શ્રદ્વાંજલિ