દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના કરી વ્યક્ત

સોમવારે સાંજે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ નજીક પાર્ક કરેલી એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશમાં ગમગીની અને ભયનો માહોલ પેદા કર્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પ્રાથમિક અહેવાલો અનુસાર ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વિસ્ફોટગ્રસ્ત કાર સંપૂર્ણપણે આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી અને તેની આસપાસ ઊભેલા અન્ય ૭થી ૮ વાહનોને પણ વ્યાપક નુકસાન થયું હતું.

PM Modi Condolences: PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, આપ્યા તાત્કાલિક નિર્દેશો

આ ગંભીર દુર્ઘટના પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તરત જ પ્રતિક્રિયા આપી હતી અને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને ટ્વીટમાં જણાવ્યું કે, “આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.” તેમણે ખાતરી આપી કે અસરગ્રસ્તોને અધિકારીઓ દ્વારા તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. PM મોદીએ માહિતી આપી કે તેમણે તાત્કાલિક ધોરણે ગૃહમંત્રી અમિત શાહજી અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરી છે અને જરૂરી કાર્યવાહી કરવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.

PM Modi Condolences :  ગૃહમંત્રી એક્શનમાં: ઉચ્ચ સ્તરીય બેઠક અને હાઈ એલર્ટ

વડાપ્રધાનના નિર્દેશો મળતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તરત જ એક્શનમાં આવ્યા હતા. તેમણે દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચા અને અન્ય સુરક્ષા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર મામલાની ગહન સમીક્ષા કરી હતી. સમીક્ષા બાદ ગૃહમંત્રી ઘાયલોના ખબર-અંતર પૂછવા માટે LLJP હોસ્પિટલમાં પણ પહોંચ્યા હતા. તપાસ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે વિસ્ફોટ એક i20 કારમાં થયો હતો અને પોલીસ તેમજ તપાસ એજન્સીઓ દ્વારા દરેક સંભવિત એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વિસ્ફોટના મૂળ કારણોની તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હીની આ ઘટનાને પગલે મુંબઈ, ઉત્તર પ્રદેશ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *