Delhi blast: દેશમાં ચાલી રહેલા આતંકવાદી ષડયંત્રોના ખુલાસા વચ્ચે, સોમવારે સાંજે રાજધાની દિલ્હીમાંથી એક ખૂબ જ ગંભીર અને મોટા સમાચાર સામે આવ્યા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક પાર્ક કરેલી એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાને કારણે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર વાહનોમાં પણ તાત્કાલિક આગ લાગી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં કરૂણ મોત થયા છે અને ૧૪થી વધુ લોકો ઘાયલ થયા હોવાના દાવા કરવામાં આવ્યા છે.
Delhi blast સુરક્ષા એજન્સીઓ દોડી, નાકાબંધી જાહેર
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસની ટીમ અને તમામ સુરક્ષા એજન્સીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડનાં સાત જેટલાં વાહનોએ પહોંચીને કામગીરી હાથ ધરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બ્લાસ્ટના સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી જાહેર કરી દેવામાં આવી છે.
Delhi blast ટેકનિકલ ખામી કે આતંકી કૃત્ય? તપાસ શરૂ
પોલીસ દ્વારા વિસ્ફોટના મૂળ કારણોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા સંભવિત આતંકવાદી ષડયંત્રના ખુલાસાની પૃષ્ઠભૂમિમાં આ બ્લાસ્ટ થયો હોવાથી સુરક્ષા એજન્સીઓ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે આ વિસ્ફોટ માત્ર કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ મોટું આતંકવાદી કૃત્ય હતું. સુરક્ષા એજન્સીઓ હાલમાં દરેક સંભવિત એંગલથી તપાસ કરી રહી છે.

