EDનું સર્ચ ઓપરેશન: જમાલપુરથી ખેડા સુધી તપાસ
અમદાવાદ વકફ કૌભાંડ- મળતી માહિતી અનુસાર, સલીમખાન જુમ્માખાન પઠાણ જમાલપુર વિસ્તારમાં ‘સૌદાગર બિલ્ડર્સ’ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ચલાવે છે. EDએ આજે સવારે તેના નિવાસસ્થાન ઉપરાંત જમાલપુરમાં કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડામાં આવેલા ફાર્મહાઉસ સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ દરોડા રૂ. 100 કરોડના વકફ બોર્ડ કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે, જેમાં સલીમખાને ગેરકાયદે રીતે વકફની જમીન પર બાંધકામો કરી ભાડું વસૂલ્યું હોવાનો આરોપ છે.
ધારાસભ્ય અમિત શાહની ફરિયાદથી ખુલ્યો કૌભાંડનો પર્દાફાશ
આ કેસનો પર્દાફાશ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની ફરિયાદ બાદ થયો હતો. તેમણે જમાલપુરમાં કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યા પર સલીમખાન પઠાણે ગેરકાયદે કોમ્પ્લેક્સ બનાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ જગ્યા પર સ્કૂલના બદલે 10 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી, જેમાંથી સલીમખાન દરેક દુકાન દીઠ રૂ. 12,000નું ભાડું વસૂલતો હતો. આ ઉપરાંત, વકફ બોર્ડની જમીન પર 25-30 દુકાનો, 200 જેટલા મકાનો અને બે ગેરકાયદે છ માળની ઇમારતો બનાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે પહેલા જ કરી હતી 5 આરોપીઓની ધરપકડ
આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે અગાઉ સલીમખાન જુમ્માખાન પઠાણ સહિત પાંચ આરોપીઓ—મોહમ્મદ યાસર શેખ, મહમૂદખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ જોબદર અને શાહિદ અહમદ શેખની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ વકફ બોર્ડની જમીન પર ખોટા ટ્રસ્ટી તરીકે છેતરપિંડી આચરી, ગેરકાયદે બાંધકામો કર્યા અને ભાડું વસૂલ્યું હતું. પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, આ જૂથે શાહ બડા કાસમ ટ્રસ્ટના દાનપેટીમાંથી દર મહિને રૂ. 50,000ની આવક પણ ગેરકાયદે હડપ કરી હતી.
વકફ કૌભાંડનો 20 વર્ષથી ચાલતો ખેલ
આ કૌભાંડનો ખુલાસો મોહમ્મદ રફીક અન્સારી નામના વ્હિસલબ્લોઅરની ફરિયાદ બાદ થયો હતો, જેમણે જણાવ્યું હતું કે આ જૂથે 20 વર્ષથી વકફની જમીનનો દુરુપયોગ કર્યો છે. 2001ના ભૂકંપ બાદ ઉર્દૂ સ્કૂલની ઇમારતો અસુરક્ષિત થઈ જતાં તેને તોડી પાડવામાં આવી હતી. જોકે, સ્કૂલનું પુનર્નિર્માણ કરવાને બદલે સલીમખાને આ જગ્યા પર દુકાનો બનાવી ભાડે આપી દીધી હતી.
આ પણ વાંચો – ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, રાજ્યોને મોક ડ્રીલનો કરાયો આદેશ