મહેમદાવાદમાં Eid-e-Milad-un-Nabi ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું. સવારે મહેમદાવાદની જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસનું પ્રસ્થાન થયું, જેમાં મોટી સંખ્યામાં આશિકે રસૂલ જોડાયા હતા. જુલુસ પરંપરાગત રૂટ પરથી ચાર રસ્તા, મીરા મસ્જિદ, નડિયાદી દરવાજા, શાહબુદ્દીન મસ્જિદ, નેશનલ પાર્ક સોસાયટી, ઇકબાલ સ્ટ્રીટ અને ખાત્રેજ દરવાજા થઈને હુસૈની ચોક, કચેરી દરવાજા થઈ પરત જુમ્મા મસ્જિદ પહોંચ્યું હતું. આ જુલુસમાં શહેરના આગેવાનો અને મહેમદાવાદ પોલીસ અધિકારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

નોંધનીય છે કે Eid-e-Milad-un-Nabi ના જુલુસ દરમિયાન પરંપરાગત રૂટ પર નિયાઝ (પ્રસાદ)ની વહેંચણી કરવામાં આવી, જેમાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહથી ભાગ લીધો. હુસૈની ચોક ખાતે અફઝલ સૈયદ, સઇદ પઠાણ રીયાઝ મલેક, ઝાકિર શેખ,મોહસીન પઠાણ, રીયાઝ કુરેશી, અને મુનાફબેગ મિર્ઝા સહિતના આગેવાનોએ જુલુસનું ભાવપૂર્વક સ્વાગત કર્યું અને પાણી સહિતના પ્રસાદનું વિતરણ કર્યું. જુમ્મા મસ્જિદમાં હઝરત બાલ મુબારકની ઝીયારત કરવામાં આવી, જેમાં શ્રદ્ધાળુઓએ ભાવવિભોર થઈને દુઆઓ માંગી. મસ્જિદના પેશઇમામ મૌલાના કાસિમે ઇદે મિલાદુન્નબીના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી બયાન આપ્યું, જેમાં તેમણે પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના જીવન અને શિક્ષણ પર પ્રકાશ પાડ્યો.

ઉલ્લેખનીય છે કે આ Eid-e-Milad-un-Nabi ના જુલુસમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ પ્રસર્યો. શહેરના નાગરિકો અને વિવિધ સમુદાયના લોકોએ આ ઉજવણીમાં ભાગીદારી નોંધાવી, જેનાથી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મહેમદાવાદમાં આ ઇદે મિલાદુન્નબીની ઉજવણી ભારે ધામધૂમ અને શ્રદ્ધાભાવ સાથે સંપન્ન થઈ, જે શહેરના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.
નોંધનીય છે કે પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનું જીવન શાંતિ, પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક છે, તેમણે શીખવેલા જીવનના અતિ મૂલ્ય અને સિંદ્વાંતો આજે પણ સમાજને સાચી રાહ ચીંધે છે.