Fake Aadhaar SCAM : ગુજરાતમાં ફરી એકવાર આધાર કાર્ડ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી છે. સુરત શહેરમાં બોગસ દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા હોવાનું ખુલતાં પોલીસ હરકતમાં આવી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી દ્વારા ધારાસભ્ય કુમાર કાનાણીના નકલી સહી-સિક્કાવાળા ભલામણ પત્રોનો ઉપયોગ કરાયો હતો. આ કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે.
કેમ ચલાવી રહ્યો હતો કૌભાંડ?
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી દીપક પટનાયક, જે MBA પાસ છે, એ બોગસ રેશન કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે લોકોને આધાર કાર્ડ બનાવી આપતો હતો. આ માટે તે દર ફોર્મ માટે ₹200 વસૂલતો હતો. આરોપી માત્ર આધાર કાર્ડ જ નહીં, પણ નકલી પાન કાર્ડ પણ બનાવતો હતો. નોંધનીય છે કે દીપક ઓરિસ્સાનો વતની છે અને છેલ્લા ત્રણ મહિનાથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો.
ધારાસભ્ય કાનાણીએ શું કહ્યું?
આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે “નકલી દસ્તાવેજો બનાવવું ગંભીર ગુનો છે, અને આવા કૌભાંડ સામે કડક પગલા લેવાશે.” તેમણે પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરવાને લઈને પ્રસંશા પણ કરી.
આ કૌભાંડ પાછળ વધુ લોકો સામેલ?
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પાસેથી ધારાસભ્યના બોગસ સહી-સિક્કાવાળા ભલામણ પત્રો મળ્યા છે. વધુમાં, પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડમાં અન્ય કોઈ ટોળકીઓ સંડોવાઈ છે.
પોલીસે હવે તપાસ ઝડપી બનાવી છે અને શક્ય છે કે આ કેસમાં વધુ ખુલાસા આગળ આવી શકે. શું આ કૌભાંડ એકલા દીપક સુધી સીમિત છે કે તેની પાછળ કોઈ મોટું ગેંગ કાર્યરત છે? એ હવે તપાસનો વિષય છે.