નકલી દારૂ બનાવતી ફેકટરી : જામનગર, 19 જૂન 2025: જામનગર એલસીબી ટીમે નેવી મોડા ગામની સીમમાં દરોડો પાડી નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 7,28,450ના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ ફેક્ટરીમાં આલ્કોહોલ સ્પીરીટની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હતો, જેનો જથ્થો વેચાણ માટે તૈયાર કરવામાં આવતો હતો.
બાતમીના આધારે દરોડો
નકલી દારૂ બનાવતી ફેકટરી: જામનગર એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, નેવી મોડા ગામે રહેતા હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજા અને શ્રીરાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા રાજસ્થાનના અર્જુનસિંગ તેજસિંગ સોઢા અને સૂર્યપ્રતાપસિંગ ભાનુપ્રતાપસિંગ રાઠોડ સાથે મળી ફેક્ટરી ચલાવી રહ્યા હતા. આ ફેક્ટરી હરદીપસિંહની વાડીના રહેણાંક મકાનમાં સંચાલિત હતી, જ્યાં આલ્કોહોલ સ્પીરીટમાં ભેળસેળ કરી નકલી દારૂ બનાવવામાં આવતો હતો.
જપ્ત કરાયેલો મુદ્દામાલ
પોલીસે રેઇડ દરમિયાન આરોપીઓને ઝડપી લઈ નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો:
600 લીટર ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ
1056 નકલી દારૂના ચપલા
9 લીટર ભેળસેળ યુક્ત કેમિકલ પદાર્થ
4 ફૂડ કલરની બોટલ
2050 ઢાંકણા, 950 પ્લાસ્ટિક પાઉચ, 1110 સ્ટીકરો
149 બોક્સ, 3 પ્લાસ્ટિક બેરલ
દારૂ બનાવવા અને શીલ કરવાનાં મશીનો (મીટર મશીન, બીકર મશીન, લોખંડ શીલ મશીન)
8 મોબાઇલ ફોન અને 1 ફોર-વ્હીલ કાર
કાર્યવાહી અને પૂછપરછ
પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, તેઓ આલ્કોહોલ સ્પીરીટ અને ફ્લેવર કલરનું મિશ્રણ કરી નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા હતા. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી, આરોપીઓની ધરપકડ કરી અને જપ્ત કરેલા મુદ્દામાલની તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ જામનગરમાં ગેરકાયદેસર દારૂના વેચાણની ગંભીર સમસ્યા સામે આવી છે. પોલીસ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો- કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વરસાદને લીધે મતદાન પર અસર,ગોકળ ગતિએ થઇ રહ્યું છે મતદાન