સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સરકારી એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ 6 લોકોના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રાધનપુર તરફ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. અકસ્માત બાદ બસ પણ રોડની બાજુ ખાડામાં ઉતરી ગઇ હતી.

મૃતદેહો રિક્ષામાં ફસાઈ જતા ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતકો રાધનપુરની વાદી વસાહતના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.ઘટનાસ્થળે લોકોએ ભારે ભીડ ભેગી કરી હતી અને તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી. અકસ્માત અંગે ચર્ચા કરતા રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આ એક દુઃખદ ઘટના છે. મેં સરકાર સમક્ષ મૃતકોના પરિવારને તાત્કાલિક 4-4 લાખ રૂપિયાની સહાય આપવા માટે રજૂઆત કરી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળવા પ્રયાસ કરાશે.”

અકસ્માતનું કારણ એસટી ડ્રાઇવરનું ઓવરટેક કરવાનો પ્રયાસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *