ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી આ સેવા ઉપલબ્ધ નહીં હોય. અંબાજી ગબ્બર પર આ નિર્ણય મધમાખીના પૂડા ઉડાડવાની કામગીરીને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે.
આ માહિતી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, હાલ મધમાખીઓના પ્રમાણમાં વધારો થયો છે અને તાજેતરમાં મહેસાણા અને અમદાવાદથી આવેલા શ્રદ્ધાળુઓ પર ભમરાઓએ હુમલો કરી 25 લોકોને ડંખ માર્યા હતા. આ ઘટનાને ધ્યાનમાં લઈને યાત્રાળુઓની સલામતી માટે આ તાત્કાલિક નિર્ણય લેવાયો છે.
મંદિર ખુલ્લું રહેશે
ગબ્બર દર્શન અને રોપવે બંધ હોવા છતાં, માતાજીનું મુખ્ય મંદિર ખુલ્લું રહેશે અને શ્રદ્ધાળુઓ રાબેતા મુજબ દર્શનનો લાભ લઈ શકશે.
18 એપ્રિલથી રાબેતા મુજબ સેવા શરૂ
ટ્રસ્ટના અધિકારીઓ મુજબ મધમાખીઓને નિયંત્રિત કરવા માટે 15થી 17 એપ્રિલ દરમિયાન વિશેષ કામગીરી હાથ ધરાશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 18 એપ્રિલથી ગબ્બર દર્શન અને રોપ વે સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.