ગીર સોમનાથ: આદપોકારમાં કુંડમાં ડૂબી જવાથી માતા સહિત બે દીકરીઓના મોત

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આદપોકાર ગામમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક કુંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ સામૂહિક મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આદપોકાર ગામમાં માતમ છવાઈ ગયો છે.

ગીર સોમનાથ:  ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, આદપોકાર ગામમાં આવેલા એક કુંડમાં માતા અને તેની બે બાળકીઓ અચાનક ખાબકી હતી. પાણીમાં ડૂબી જવાથી બંને માસૂમ બાળકીઓના ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે માતાને પાણીમાંથી બહાર કાઢી ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચેની લડાઈમાં માતાનો પરાજય થયો હતો અને સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

 પરિવાર પર આભ તૂટી પડ્યું

એકસાથે માતા અને બે ફૂલ જેવી દીકરીઓના મોતથી પરિવાર પર વજ્રઘાત થયો છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી ત્રણેયના મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતને પગલે ગામની બજારો અને શેરીઓમાં માત્ર શોકનું મોજું જોવા મળી રહ્યું છે.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતા જ કોડિનાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પાછળનું સાચું કારણ શું છે? તે માત્ર એક અકસ્માત છે કે પછી અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

આ પણ વાંચો: મહીસામાં પાણીની ટાંકીના લીકેજથી વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી: ભૂલકાઓ કાદવમાંથી અવરજવર કરવા મજબૂર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *