ગુજરાતમાં હાઇ એલર્ટ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોનાં મોત થયાં છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલાને પગલે કાશ્મીરમાં સેના અને પોલીસ હાઈ એલર્ટ પર છે, જ્યારે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ગુજરાતમાં અંબાજી, દ્વારકા, સોમનાથ અને પાવાગઢ જેવાં ધાર્મિક સ્થળોની સુરક્ષામાં ખાસ વધારો કરાયો છે.
ગુજરાતમાં હાઇ એલર્ટ
હુમલાને ધ્યાને રાખી રાજ્યભરમાં વાહન ચેકિંગ શરૂ કરાયું છે, ખાસ કરીને રેલવે સ્ટેશનો અને એરપોર્ટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમો ગોઠવી દેવાઈ છે, અને દ્વારકા તથા સોમનાથ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ છે. લોકોમાં ભયનો માહોલ છે, અને ઘણાએ પોતાની યાત્રાઓ રદ કરી દીધી છે.
અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો
પાકિસ્તાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લાના અંબાજી યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાને રાખી સુરક્ષા વધારવામાં આવી છે. બનાસકાંઠાના એસપીના જણાવ્યા મુજબ, અંબાજી મંદિરે SOG ટીમ અને સ્નાઈપરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે, સાથે જ સતત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે.
ધાર્મિક સ્થળો પર હાઈ એલર્ટ
કેન્દ્ર સરકારે દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મ પૂછીને ટાર્ગેટ કર્યા હતા. આને લઈને ગુજરાતના અંબાજી, પાવાગઢ, સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળોની સુરક્ષા કડક કરાઈ છે. આ હુમલાએ દેશભરમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે, અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈપણ સંભવિત ખતરાને રોકવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.