Ramadan 2026: રમઝાનનો ચાંદ દેખાતાની સાથે જ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે. ઇસ્લામિક કેલેન્ડરના આ નવમા મહિનાનું મુસ્લિમ સમુદાયમાં વિશેષ મહત્વ છે. લખનૌ ઇદગાહના ઇમામ, મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ અધિકૃત જાહેરાત કરતા જણાવ્યું છે કે, દેશના વિવિધ ભાગોમાં ચંદ્રના દર્શન થયા હોવાથી ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ ને ગુરુવારના રોજ પવિત્ર રમઝાનનો પ્રથમ રોજો (ઉપવાસ) રાખવામાં આવશે.
Ramadan 2026: ઇબાદત અને સાદગીનો સંદેશ
મૌલાના મહાલીએ અપીલ કરી છે કે, રમઝાન દરમિયાન તમામ નમાઝ અને તરાવીહ માત્ર મસ્જિદોમાં જ અદા કરવી જોઈએ. જાહેર રસ્તાઓ કે શેરીઓમાં નમાઝ પઢવાનું ટાળીને શિસ્ત જાળવવા માટે તેમણે ખાસ અનુરોધ કર્યો છે.
રમઝાનનું ધાર્મિક મહત્વ
ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર મહિનામાં જ પયગંબર મુહમ્મદ સાહેબ પર અલ્લાહ તરફથી પવિત્ર કુરાનની આયતો અવતરી હતી. રમઝાન દરમિયાન ઉપવાસ (રોજા) રાખવા એ ઇસ્લામના પાંચ સ્તંભો પૈકીનો એક અનિવાર્ય ભાગ છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં કરવામાં આવતી ઈબાદતનું ફળ અન્ય મહિનાઓ કરતા અનેકગણું વધુ મળે છે. મુસ્લિમો આ ૩૦ દિવસો દરમિયાન રોજા રાખવાની સાથે વિશેષ તરાવીહની નમાઝ અને કુરાનનું પઠન કરે છે.
સેહરી, ઇફ્તાર અને જકાત
સેહરી અને ઇફ્તાર: સૂર્યોદય પહેલા જે ભોજન લેવાય છે તેને ‘સેહરી’ કહેવામાં આવે છે, જ્યારે સૂર્યાસ્ત બાદ ખજૂર કે પાણીથી ઉપવાસ તોડવાની વિધિને ‘ઇફ્તાર’ કહેવાય છે.
જકાતનું મહત્વ: આ મહિનામાં પોતાની કમાણીનો અઢી ટકા ભાગ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન (જકાત) સ્વરૂપે આપવો ફરજિયાત છે, જે માનવતા અને સમાનતાનો સંદેશ આપે છે.
સંયમ: રોજા માત્ર ભૂખ્યા કે તરસ્યા રહેવાનું નામ નથી, પરંતુ ખરાબ બોલવા, જોવાય કે સાંભળવાથી દૂર રહીને મન અને વાણી પર સંયમ રાખવાની આ એક કઠિન આધ્યાત્મિક સાધના છે.
આ પણ વાંચો: રમઝાન મહિનો શા માટે પવિત્ર માનવામાં આવે છે? ઉપવાસ દરમિયાન કયા 5 કામ ક્યારેય ન કરવા જોઈએ?

