મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં, શુક્રવારે રાત્રે કોલસાથી ભરેલા વાહનની ટક્કરથી બાઇક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ 7 બસો અને 4 અન્ય વાહનોને આગ ચાંપી દીધી હતી. મૃતકોની ઓળખ રામલાલુ યાદવ અને રામસાગર પ્રજાપતિ તરીકે થઈ છે. આ ઘટના માડા પોલીસ સ્ટેશન વિસ્તારની અમીલિયા ખીણમાં બની હતી. બંને મૃતકો સ્થાનિક રહેવાસી હતા. અમિલિયા ખીણમાં માર્ગ અકસ્માત પછી ફાટી નીકળેલા હંગામાની માહિતી મળ્યા પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગુસ્સે થયેલી ભીડને કાબૂમાં લીધી. પોલીસે અકસ્માતમાં માર્યા ગયેલા બે લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
સ્થિતિને જોતા અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. સિંગરૌલી કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ ટોળાએ જે વાહનોને આગ ચાંપી હતી તે એ જ કોલમાઈન કંપનીની હતી જેની લોડર ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. આ વાહનો કોલસાના પરિવહન અને કોલસાની ખાણોમાં કામ કરતા કર્મચારીઓના પરિવહનમાં રોકાયેલા હતા.
આ પણ વાંચો –ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વના અપડેટ, છ મહિના બાદ થઇ શકે છે ભરતીની જાહેરાત!