Human Trafficking in Gujarat : અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે લોકો વિવિધ યુક્તિઓ અજમાવે છે, અને હવે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (E.D.)ની તપાસમાં ગુજરાત માનવ તસ્કરી માટે એક મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. E.D.ની તપાસ મુજબ, દેશભરમાં માનવ તસ્કરી કરતા કુલ એજન્ટોમાંથી 50% ગુજરાતના છે.
ગુજરાતમાં 2000 એજન્ટ સક્રિય
E.D.ના એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીએ 4,000-4,500 માનવ તસ્કરી એજન્ટોના નેટવર્કને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, જેમાંથી 2,000 એજન્ટ માત્ર ગુજરાતના છે. તેઓ મુખ્યત્વે કેનેડા રૂટનો ઉપયોગ કરીને ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડવામાં મદદ કરે છે.
સ્ટુડન્ટ વિઝા મારફતે અમેરિકામાં પ્રવેશ
આ એજન્ટો ઓછામાં ઓછી 150 કેનેડિયન કોલેજો સાથે જોડાયેલા છે, જે ભારતીય નાગરિકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલે છે. એક વાર કેનેડામાં પહોંચ્યા પછી, એજન્ટો તેમના ગ્રાહકોને સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશ કરવામાં મદદ કરે છે.
12,000 નાણાકીય વ્યવહારોની તપાસ
E.D.ના અધિકારીએ જણાવ્યા અનુસાર, 2021થી 2024 વચ્ચે, આ એજન્ટો અને કેનેડિયન કોલેજો વચ્ચે 12,000 થી વધુ નાણાકીય લેવડ-દેવડ થઈ છે. ગુજરાતથી નાણાં ત્રણથી ચાર ભારતીય નાણાકીય સંસ્થાઓ દ્વારા કેનેડિયન કોલેજોને મોકલવામાં આવ્યા છે.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાં ગુજરાતીઓનો સૌથી મોટો ભાગ
એક ચોંકાવનારી વિગતો અનુસાર, 2023માં અમેરિકામાં પકડાયેલા 69,391 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સમાંથી 41,330 ગુજરાતીઓ હતા, જે દર્શાવે છે કે માનવ તસ્કરી માટે ગુજરાત એક મોટું કેન્દ્ર બની ગયું છે. E.D. દ્વારા માનવ તસ્કરી અને મની લોન્ડરિંગના કેસો નોંધવામાં આવ્યા છે, અને આ મુદ્દે વધુ તપાસ ચાલુ છે.