ભારતીય હોકી ટીમ: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ચીનને 1-0થી હરાવ્યું છે. આ મેચની શરૂઆતમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ કરી શક્યું ન હતું. ત્યાર બાદ મેચ પુરી થવાની થોડી મિનિટો પહેલા જ જુગરાજ સિંહે ભારત માટે ગોલ કર્યો હતો. આ ગોલના કારણે ભારતીય હોકી ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ભારતે પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ચીને પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને પ્રથમ પ્રયાસમાં જ તેનો પરાજય થયો હતો.
પ્રથમ ત્રણ ક્વાર્ટર સુધી બંને ટીમો તરફથી કોઈ ગોલ થયો ન હતો.
પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમના ખેલાડીઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતીય હોકી ટીમ ગોલ કરવાની તકો ઉભી કરી હતી, પરંતુ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી. ભારતને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતીય હોકી ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નથી. બીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો તરફથી કોઈ ગોલ થયો ન હતો. આ ક્વાર્ટરમાં ચીનના ડિફેન્સે સારું પ્રદર્શન કર્યું અને ભારતીય ખેલાડીઓને રોકી રાખ્યા. ત્રીજા ક્વાર્ટરમાં ચીને ગોલ કરવા માટે અનેક હુમલા કર્યા, પરંતુ તેમાંથી એક પણ ભારતીય ગોલકીપર ક્રિષ્ના પાઠક સુધી પહોંચી શક્યું નહીં.
જુગરાજ સિંહે જોરદાર ગોલ કર્યો હતો
જ્યારે ત્રીજા ક્વાર્ટર સુધી બંને ટીમો વચ્ચે કોઈ ગોલ થયો ન હતો. આવી સ્થિતિમાં મેચ પેનલ્ટી શૂટઆઉટમાં જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ પછી જુગરાજ સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ટીમને મેચમાં 1-0ની લીડ અપાવી હતી. તેનાથી ભારતીય હોકી ટીમની જીતની આશા વધી ગઈ હતી. આ પછી ભારતે ચીનને ગોલ કરવાની કોઈ તક આપી ન હતી. ફાઇનલમાં જુગરાજનો ગોલ ટ્રોફી જીતનારી ટીમમાં મહત્વનો સાબિત થયો હતો.
પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઈનલ સુધી એક પણ મેચ હારી નથી. ટીમે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. કોરિયન ટીમ સામે હરમનપ્રીત સિંહ, ઉત્તમ સિંહ અને જર્મનપ્રીત સિંહે ગોલ કર્યા હતા. ભારતીય હોકી ટીમે પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. અગાઉ, ભારતે 2011, 2016, 2018 (પાકિસ્તાન સાથે સંયુક્ત વિજેતા) અને 2023માં ટ્રોફી જીતી હતી. હરમનપ્રીત સિંહને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેના જોરદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો છે.
આ પણ વાંચો – ICCની ઐતિહાસિક જાહેરાત, હવે વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામની રકમ મળશે!