કોંગ્રેસે કદર ન કરતા ઇકબાલ શેખનો છલક્યો ‘ઔવેસી પ્રેમ’! રાજીનામું આપીને કર્યા આકરા પ્રહાર

ઇકબાલ શેખ:

ઇકબાલ શેખ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ અમદાવાદ કોંગ્રેસમાં એક મોટો આંતરિક ભૂકંપ સર્જાયો છે. ગોમતીપુર વોર્ડના સિનિયર કોર્પોરેટર અને લઘુમતી સમાજના મોટા નેતા ઈકબાલ શેખે કોંગ્રેસ પક્ષમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. પક્ષ છોડ્યા બાદ તેમણે કોંગ્રેસની નેતાગીરી પર જે વેધક પ્રહાર કર્યો છે, તેણે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.

કોંગ્રેસને રેસના અને વરઘોડાના ઘોડાનો તફાવત નથી ખબર: ઇકબાલ શેખ

રાજીનામું આપ્યા બાદ પોતાની નારાજગી વ્યક્ત કરતા ઈકબાલ શેખે કોંગ્રેસ હાઈકમાન્ડ પર અત્યંત માર્મિક અને આકરો કટાક્ષ કર્યો હતો. તેમણે એક જાણીતી કહેવતનો સંદર્ભ આપતા કહ્યું કે, “કોંગ્રેસને હજુ સુધી એ જ ખબર નથી પડી કે રેસના ઘોડા કયા છે અને લગ્નના (વરઘોડાના) ઘોડા કયા છે!

કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

પક્ષમાં જે નેતાઓ જમીન પર સખત મહેનત કરે છે અને ચૂંટણી જીતાડવાની ક્ષમતા ધરાવે છે (રેસના ઘોડા), તેમની સતત અવગણના થઈ રહી છે.જ્યારે જે નેતાઓ માત્ર દેખાડો કરે છે અને એસી કેબિનમાં બેસીને માત્ર શોભા વધારે છે (વરઘોડાના ઘોડા), તેમને પાર્ટીમાં ઊંચા હોદ્દાઓ અને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

ભાજપમાં જોડાવાના અગાઉથી જ મળ્યા હતા સંકેતો

ઈકબાલ શેખના આ રાજીનામા પાછળ તેમની લાંબા સમયથી ચાલી આવતી નારાજગી જવાબદાર હોવાનું મનાય છે. નોંધનીય છે કે, થોડા સમય અગાઉ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના એક સરકારી કાર્યક્રમમાં ઈકબાલ શેખે મંચ પર જઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ફૂલગુચ્છ આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની આ સૂચક હાજરી બાદથી જ તેમના ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની હતી, પરતું તેમણે ઔવસીની પાર્ટી તરફ ઝુકાવ કર્યો છે.

સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસને મોટું નુકસાન

ઈકબાલ શેખ અમદાવાદ શહેર કોંગ્રેસના એક પીઢ નેતા અને કોર્પોરેટર છે. લઘુમતી વિસ્તારો અને ખાસ કરીને ગોમતીપુર જેવા વિસ્તારોમાં તેમનો સીધો જમીની સંપર્ક છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે, ત્યારે જ તેમનું પાર્ટી છોડીને જવું એ કોંગ્રેસના વોટબેંક માટે એક મોટો ફટકો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો:  Gujarat Tenancy Act 2026 : ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ગણોતિયાઓને જમીન માલિક બનવા વધુ એક વર્ષની મહોલત મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *