Iran Cluster Bombs Israel: ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે એક નવો અને અત્યંત ઘાતક વળાંક જોવા મળી રહ્યો છે. ઈરાન દ્વારા ઉપયોગમાં લેવાતા એક ખાસ પ્રકારના હથિયારે ઈઝરાયેલની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) માટે પણ મોટો પડકાર ઉભો કરી દીધો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ઈરાન હવે તેની બેલેસ્ટિક મિસાઈલોમાં (Ballistic Missiles) માત્ર 5 કિલો વજનના નાના ક્લસ્ટર બોમ્બ (Cluster Bombs) ફીટ કરીને હુમલા કરી રહ્યું છે. આ નાના બોમ્બ જ્યારે આકાશમાંથી જમીન પર પડે છે, ત્યારે તે 11 થી 13 કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાઈને ભારે તબાહી મચાવે છે.
Iran Cluster Bombs Israel: કેવી રીતે કામ કરે છે આ ક્લસ્ટર બોમ્બ?
ક્લસ્ટર બોમ્બ એવા હથિયાર છે જેમાં એક મોટી મિસાઈલની અંદર અનેક નાના બોમ્બ એટલે કે બોમ્બલેટ્સ (Bomblets) ભરેલા હોય છે. જ્યારે મિસાઈલ હવામાં ચોક્કસ ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે આ નાના બોમ્બને મુક્ત કરી દે છે. આ બોમ્બ જમીન પર બેતરતીબ રીતે ઘરો, રસ્તાઓ, ઉદ્યાનો અને દુકાનો પર પડે છે. અહેવાલો મુજબ, ઈરાનની મોટાભાગની બેલેસ્ટિક મિસાઈલોમાં 24 જેટલા નાના બોમ્બ હોય છે, પરંતુ તેની અત્યાધુનિક ‘ખોર્રમશહેર’ (Khorramshahr Missile) મિસાઈલમાં 80 જેટલા બોમ્બલેટ્સ ફીટ કરી શકાય છે. દરેક બોમ્બલેટમાં અંદાજે 5 કિલો (11 પાઉન્ડ) જેટલો વિસ્ફોટક પદાર્થ હોય છે, જે ગ્રેનેડ જેવો વિસ્ફોટ કરે છે પરંતુ મોટા વિસ્તારમાં વરસાદની જેમ વરસીને ભારે નુકસાન પહોંચાડે છે.

ઈઝરાયેલની સુરક્ષા સિસ્ટમ કેમ લાચાર?
ઈઝરાયેલની એરો (Arrow) અને ડેવિડ્સ સ્લિંગ (David’s Sling) જેવી ડિફેન્સ સિસ્ટમ મોટી મિસાઈલોને તોડવામાં ખૂબ જ સફળ રહી છે. પરંતુ ક્લસ્ટર બોમ્બનો ખતરો સાવ અલગ છે. જો ડિફેન્સ સિસ્ટમ મિસાઈલને હવામાં જ તોડી પાડે, તો પણ તેમાંથી છૂટા પડેલા નાના બોમ્બ ગુરુત્વાકર્ષણને કારણે નીચે પડવાનું ચાલુ જ રાખે છે. આયર્ન ડોમ (Iron Dome) સિસ્ટમ આ નાના બોમ્બને રોકવાનો પ્રયાસ ચોક્કસ કરે છે, પરંતુ તેમની ગતિ અને અત્યંત નાનું કદ હોવાને કારણે સિસ્ટમ હંમેશા સફળ થતી નથી. નિષ્ણાતોના મતે, ઈરાને જાણીજોઈને આ રણનીતિ અપનાવી છે જેથી ઈઝરાયેલના મોંઘા ઇન્ટરસેપ્ટર્સ (Interceptors) જલ્દી ખતમ થઈ જાય અને તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે.
આ પણ વાંચો: તેલ-ગેસનું સંકટ ખતમ? Strait of Hormuz માંથી પસાર થશે ભારતના 20 ટેન્કર્સ, ઈરાન સાથે વાતચીત ચાલુ

