ઘરે જ બનાવો મગની દાળના પરાઠા, આ સરળ રેસિપીથી

મગની દાળના પરાઠા  સવારે નાસ્તામાં અવનવી વાનગી બનાવી તમારા બાળકો અને તમારી ફેમિલીના સભ્યને ખુશ કરવાની તમારી મહેચ્છા હોય છે પણ કંઇ રેસિપી સરળ હોય અને સત્વરે નાસ્તો તૈયાર થઇ જાય તો અમે તમારા માટે આજે લાવ્યા છે મેંથીના પરાઠા..જાણો તેની રેસિપી

  મગની દાળના પરાઠા  સામગ્રીઃ લીલી ફોતરાવાળી મગની દાળ 1 કપ, ઘઉંનો લોટ 2 કપ, આદુ-મરચાં પેસ્ટ 2 ટે.સ્પૂન, સફેદ તલ 2 ટે.સ્પૂન, વરિયાળી 1 ટે.સ્પૂન, જીરુ 1 ટે.સ્પૂન, અજમો 1 ટી.સ્પૂન, આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન, હળદર પાઉડર ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, આખા ધાણા 2 ટે.સ્પૂન, કાળા મરી 6-7 દાણા, હીંગ ¼ ટી.સ્પૂન, કસૂરી મેથી 3 ટે.સ્પૂન, પરાઠા શેકવા માટે ઘી અથવા તેલ, ચાટ મસાલો ½ ટી.સ્પૂન, ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર ½ કપ.

રીતઃ મગની દાળ 2-3 પાણીએથી ધોઈને તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીને દાળને કૂકરમાં ગેસની મધ્યમ આંચે 3 સીટી કરીને કૂકર ઠંડું થવા મૂકો. એક મિક્સીમાં વરિયાળી, ધાણા, કાળા મરી, જીરૂ અધકચરા વાટી લો. કૂકર ઠંડું થાય એટલે ખોલીને દાળ બફાઈ ગઈ હોય તો તેને એક વાસણમાં કાઢી લો. જો ન બફાઈ હોય તો થોડું પાણી ઉમેરી ફરીથી કૂકરની બે સીટી કરીને કૂકર ઠંડું કરીને દાળ કાઢી લો. દાળ નરમ હોવી જોઈએ. તેમાં પાણી ન રહેવું જોઈએ.

બફાયેલી દાળમાં વાટેલો અધકચરો મસાલો, આદુ મરચાંની પેસ્ટ તેમજ સફેદ તલ ઉમેરીને હીંગ તેમજ હળદર પાઉડર, મરચાં પાઉડર, આમચૂર પાઉડર, અજમો, ચાટ મસાલો, ચિલી ફ્લેક્સ તેમજ સમારેલી કોથમીર ઉમેરો. કસૂરી મેથીને હાથેથી મસળીને ઉમેરો. મિશ્રણ એકસરખું મેળવી લીધા બાદ મેશરની મદદથી મેશ કરી લેવું. જેથી તેમાં રહેલી આખી દાળ પણ વટાઈ જાય.

આ મિશ્રણમાં ઘઉંનો લોટ, જોઈતા પ્રમાણમાં મીઠું તેમજ 2 ટી.સ્પૂન ઘી ઉમેરીને મિક્સ કરો. ¼ કપ જેટલું પાણી થોડું થોડું ઉમેરતાં જઈ પરોઠાનો લોટ બાંધી લો. 1 ટી.સ્પૂન ઘીનું મોણ પણ આપી દો.

લોટમાંથી લૂવો લઈ નાની પુરી જેવો વણી લઈ તેમાં થોડું ઘી ચોપડીને પુરી અડધેથી વાળી લો. ફરીથી જરા ઘી ચોપડીને વાળીને ત્રિકોણાકાર પરોઠું વણી લો. અથવા લૂવામાં ઘી લગાડીને ગોળ પરોઠા વણી લો.

ગેસ પર તવો ગરમ કરી લીધા બાદ ગેસની આંચ મધ્યમ કરી લઈ પરોઠું ઘી લગાડીને બંને બાજુએથી સોનેરી રંગ તેમજ ચોકલેટી ટપકાં આવે તે રીતે શેકી લેવું. આ પરોઠા ગળી ચટણી, તીખી ચટણી, ટોમેટો કેચ-અપ અથવા દહીં સાથે સારાં લાગે છે.

આ પણ વાંચો –   વાવ બેઠક પર જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *