વર્ક પરમિટ વિઝા છેતરપિંડી: મહેમદાવાદના રહેમતનગર વિસ્તારમાં રહેતા ખુશ્બુ નિઝામુદ્દીન સૈયદ અને તેમના પતિ નિઝામુદ્દીન સૈયદ સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી પ્રાનીલ એજ્યુકેશન સર્વિસના સંચાલકો સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પ્રાનીલ એજ્યુકેશન સર્વિસ જેવી સંસ્થાઓ લોકોના વિદેશ જવાના સપનાનો બતાવીને તેમની મહેનતની કમાણી લૂંટી રહી છે

વર્ક પરમિટ વિઝા છેતરપિંડી : ખુશ્બુ સૈયદ, જે આંગણવાડીમાં કામ કરે છે, તેમનું સપનું કેનેડામાં જઈને સ્થાયી થવાનું હતું. આ હેતુસર તેમણે તેમના ભાઈ મહંમદ કાદરી અને પતિ નિઝામુદ્દીન સૈયદ સાથે મળીને પ્રાનીલ એજ્યુકેશન સર્વિસનો સંપર્ક કર્યો. સંસ્થાના પ્રોપરાઈટર કોમલ તિવારી અને તેમના પતિ અનિલ તિવારીએ દંપતીને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની ખોટી ખાતરી આપી અને તેમની પાસેથી 14 લાખ રૂપિયા ઉઘરાવી લીધા.નવ મહિના સુધી સંસ્થા દ્વારા દંપતીને ખોટા આશ્વાસનો અને ધક્કા ખવડાવતા હતા અંતે વિઝાનું કામ ન થતા દંપતીએ પૈસા પરત માગ્યા હતા જે અનુસંધાનમાં પ્રાનીલના સંચાલકોએ ત્રણ ચેક આપ્યા. આ ચેક બેંકમાંથી “પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર”ના શેરા સાથે પરત આવ્યા.પ્રાનીલ એજ્યુકેશનના સંચાલક પ્રોપરાઇટર કોમલ તિવારી અને તેમના પતિ અનિલ તિવારી સામે મહેમદાવાદમાં નિઝામુદ્દીન સૈયદે છેતરપિંડીની ફરિયાદ નોંઘાવી છે, હાલ પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના દર્શાવે છે કે પ્રાનીલ એજ્યુકેશન સર્વિસ જેવી સંસ્થાઓ લોકોના વિદેશ જવાના સપનાનો બતાવીને તેમની મહેનતની કમાણી લૂંટી રહી છે. આવી છેતરપિંડી કરનાર સંસ્થાઓ લોકોને ખોટા વચનો આપીને મોટી રકમ વસૂલે છે અને બાદમાં કોઈ સેવા પૂરી પાડતી નથી. આવા કિસ્સાઓ એ ચેતવણી આપે છે કે વિદેશ જવાના સપના જોતા લોકોએ આવી બોગસ એજન્સીઓથી સાવધાન રહેવું જોઈએ. છેતરપિંડી કરનાર દંપતીથી બચો, વિદેશ જતા પહેલા ચેતજો!