મહેમદાવાદ: રમતોત્સવ અને રમત-ગમત ક્ષેત્રે મુસ્લિમ સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે મહેમદાવાદની શાહી જુમ્મા મસ્જિદ દ્વારા એક ઐતિહાસિક અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. કસ્બાની આ મસ્જિદે મહેમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને ખેલકૂદની પ્રવૃત્તિઓ માટે પોતાની જગ્યા આપી છે, જેથી યુવાનોને પ્રેક્ટિસ કરવા માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય. આ નિર્ણયથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પહેલને સફળ બનાવવા માટે તમામ વડીલો, યુવાનો, ટ્રસ્ટના સભ્યો અને કમિટીએ એક સાથે મળીને મહેમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને સંપૂર્ણ સહયોગ આપ્યો છે. આ સહકારનો મુખ્ય ઉદ્દેશ્ય મહેમદાવાદ ગામ અને તાલુકામાં મુસ્લિમ સમાજનું નામ રમત-ગમત ક્ષેત્રે રોશન કરવાનો છે. આશા રાખવામાં આવે છે કે આ ગ્રાઉન્ડના નિર્માણ બાદ અહીંના યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી શકશે.
આ અંગે મસ્જિદના પ્રમુખ મોઈનભાઈ મલેકે જણાવ્યું કે, “આ નિર્ણયથી ખેલાડીઓને ઘણું પ્રોત્સાહન મળશે.” તેમણે વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “મસ્જિદે સ્પોર્ટ્સ ક્લબ માટે જમીન આપી છે, પરંતુ આ જમીન મસ્જિદના નેજા હેઠળ જ રહેશે.” આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહેમદાવાદના યુવાનોને રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા માટે સશક્ત બનાવવાનો છે.
નોંધનીય છે કે મહેમદાવાદના અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોએ ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. મહેમદાવાદ એજ્યુકેશન ગ્રુપ, ખિદમત ગ્રુપ, ઈસ્લામિક ગ્રુપ, નિયાજ કમિટી, અને યંગ સર્કલ જેવા જૂથોએ ભૂતકાળમાં પણ સમાજસેવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે, અને આ પ્રોજેક્ટમાં પણ તેમણે સક્રિયપણે સહયોગ આપ્યો છે. આ તમામ જૂથોના વડીલો, યુવાનો અને સભ્યોએ એક થઈને મહેમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને ટેકો આપ્યો છે, જે દર્શાવે છે કે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સામૂહિક પ્રયાસો કેટલા મહત્વપૂર્ણ છે.હાલ તેના માટે સ્વૈચ્છિકે લોકો દાન આપી રહ્યા છે.
નિર્માણ પામી રહેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની વિગતો:
આ નવા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં વિવિધ રમત-ગમત માટે ખાસ સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- એથ્લેટિક્સ ટ્રેક: 100, 200, 400 મીટર અને તેનાથી વધુની દોડની પ્રેક્ટિસ માટે આધુનિક ટ્રેક તૈયાર થઈ રહ્યો છે.
- ગ્રાઉન્ડ્સ: કબડ્ડી, વોલીબોલ, ચક્રફેક, ગોળાફેંક, ઊંચી કૂદ અને લાંબી કૂદ જેવી રમતો માટે અલગ-અલગ ગ્રાઉન્ડ્સ બનાવવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર પ્રોજેક્ટમાં મસ્જિદના વહીવટકર્તાઓએ અનોખી ઉદારતા બતાવી છે, જે એક ધાર્મિક સંસ્થા સમાજને નવી દિશા કેવી રીતે આપી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પગલું ધાર્મિક સંવાદિતા અને સામાજિક જવાબદારીનું પણ પ્રતીક છે. આશા છે કે આ ગ્રાઉન્ડ તૈયાર થયા બાદ મહેમદાવાદના ખેલાડીઓને તેનો મહત્તમ લાભ મળશે અને તેઓ રમત-ગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે.
આ પણ વાંચો: યુવાનો માટે નોકરીની સુવર્ણ તક: ભાવનગર મ્યુનિસિપલ કમિશનર કચેરી દ્વારા 29 જગ્યાઓ પર ભરતી