Molvan crane accident : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામમાં એક દુઃખદ ઘટનાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં મોટી ક્રેન નાની ક્રેન પર પડતા ક્રેન ચાલકનું કરૂણ મોત થયું. આ દુર્ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. ઘટનાને પગલે કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
નાની ક્રેનનો ભૂક્કો બોલી ગયો
મળતી માહિતી મુજબ, મોલવણ ગામમાં સ્થિત મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં સાયલો મશીન ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામ માટે મોટી અને નાની બે ક્રેનો ભાડે મંગાવવામાં આવી હતી. મશીનરી ઉચકતી વખતે, ભારે વજન અને જમીન નબળી હોવાના કારણે મોટી ક્રેનનું સંતુલન ગુમાયું અને તે સીધી નાની ક્રેન પર પડી ગઈ.
ચાલકનું કરૂણ મોત
આ ઘટનામાં નાની ક્રેનનો ભુક્કો બોલી ગયો અને તેમાં સવાર 22 વર્ષીય ચાલક શાહીદ પઠાણને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. છાતી, કપાળ અને બન્ને પગ પર ગંભીર ઇજાઓએ તેનું જીવતર છીનવી લીધું.
પરિવાર પર આભ તૂટ્યું
મૃતક શાહીદ તેમના પરિવારમાં એકમાત્ર કમાઉ સભ્ય હતો. તે તેમની માતા અને 17 વર્ષીય બહેન સાથે રહેતો હતો અને ક્રેન ચલાવતાં પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શાહીદની મૂત્યુંથી પરિવાર શોકમાં ગરકાવ છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ દુર્ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના સસુરે ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પ્રકાશિત થયા છે, જે આ દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે.