અમદાવાદમાં PG માટે નવી નીતિ: AMCએ જાહેર કર્યા કડક નિયમો,NOC અને ફાયર સેફ્ટી ફરજિયાત

શહેરમાં વધતી જતી પીજી (પેઇંગ ગેસ્ટ) સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. નીતિ હેઠળ પીજીને હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આનાથી પીજી સંચાલકોએ હવે GDCR (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)ના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. નિયમોનું પાલન કરનાર પીજીઓને AMC દ્વારા બંધ કરાવવામાં આવશે.

 

30 દિવસમાં પરવાનગી ફરજિયાત
નવી નીતિ અનુસાર, હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગ ચલાવતા સંચાલકોએ 30 દિવસની અંદર AMCમાં અરજી કરવી પડશે. આ અરજીમાં વિકાસ પરવાનગી (Development Permission) અને બીયુ (બિલ્ડિંગ યુઝ) પરવાનગી સહિતની તમામ જોગવાઈઓનું પાલન થતું હોવું જોઈએ. જો આ શરતો પૂરી નહીં થાય તો કડક પગલાં લેવામાં આવશે. હાલમાં ચાલતા હોસ્ટેલો અને પીજીઓએ પણ આ માટે નવેસરથી વિકાસ પરવાનગી અને બીયુ પરવાનગી લેવી પડશે.જે વ્યક્તિ હોમ સ્ટે ચલાવે છે, તેમણે રાજ્ય સરકારની હોમ સ્ટે પોલિસી હેઠળ મંજૂરી મેળવવી પડશે અને તે મંજૂરી AMCમાં રજૂ કરવાની રહેશે.
સોસાયટીનું NOC ફરજિયાત

નવા નિયમો અનુસાર, પીજી ચલાવવા માટે સોસાયટીનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ જોગવાઈથી સોસાયટીના રહીશોને પીજી સંબંધિત સમસ્યાઓ સામે સત્તાવાર અધિકાર મળશે.

ફાયર સેફ્ટી અને પોલીસ મંજૂરી ફરજિયાત
AMCએ પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની સુરક્ષા માટે ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરી છે. આ ઉપરાંત, પીજી સંચાલકોએ 20% પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે, જેનાથી પાર્કિંગની સમસ્યા ઘટશે.

શા માટે આ નીતિ?
શહેરની અનેક સોસાયટીઓ અને ફ્લેટોમાં ચાલતા પીજીઓમાં મારામારી, સોસાયટીના રહીશો સાથે ઝઘડા અને અન્ય સમસ્યાઓની ફરિયાદોને કારણે AMCએ આ કડક નિયમો લાગુ કર્યા છે. આ નીતિથી પીજીની સુવિધાઓ અને સુરક્ષામાં સુધારો થશે તેમજ સોસાયટીઓમાં શાંતિ જળવાશે.

આ પણ વાંચો-  AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *