દેશનાં ચર્ચિત વકફ બિલને લોકસભા બાદ ગઈકાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 14 કલાકની ચર્ચા પછી, આ બિલને રાજ્યસભામાં મંજૂરી મળી, જેમાં 128 સભ્યોએ સમર્થનમાં અને 95 સભ્યોએ વિરોધમાં મત આપ્યા હતા. વિપક્ષે આ બિલનો ઉદ્દેશ મુસ્લિમોને “બીજા વર્ગના નાગરિકો” બનાવવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ પક્ષોએ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની માંગ કરી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, “આ બિલમાં સુધારા કરતાં શંકા વધુ છે. આ બિલ બંધારણમાં આપેલા અધિકારોને છીનવવાનો પ્રયાસ છે. આ કાયદો નહીં, પરંતુ કાયદાની ભાષામાં મનોવૈજ્ઞાનિક ષડયંત્ર છે.”કોંગ્રેસે આ બિલની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે અને તેની બંધારણીય માન્યતાને પડકારવાનું નિર્ધારિત કર્યું છે.
નોંધનીય છે કે જયરામ રમેશે એ પણ ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસ નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 ને સુપ્રીમ કોર્ટમાં પડકારી રહી છે. આ ઉપરાંત, કોંગ્રેસે 2019 માં RTI કાયદા, 2005 માં કરવામાં આવેલા સુધારાઓને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે. કોંગ્રેસે ચૂંટણી નિયમો (2024) માં કરવામાં આવેલા સુધારાઓની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વકફ બિલને મુસ્લિમો વિરુદ્ધ ગણાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે આ બિલ લઘુમતીઓને નષ્ટ કરવા માટે લાવવામાં આવ્યું છે. ખડગેએ કહ્યું કે દેશમાં એવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે કે આ બિલ લઘુમતીઓને હેરાન કરવા માટે લાવવામાં આવ્યું છે. આ સાથે તેમણે ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરી કે આ બિલને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવે અને સરકારે તેને પાછું ખેંચવું જોઈએ