PNB કૌભાંડ: પંજાબ નેશનલ બેન્ક (PNB)માં ₹૧૩,૦૦૦ કરોડના મહાકૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ભારતને પ્રત્યાર્પિત કરવા માટે બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટે શુક્રવારે મંજૂરી આપી દીધી છે. ભારતીય તપાસ એજન્સીઓ (CBI) માટે આ એક મોટી જીત છે. કોર્ટે ભારતની વિનંતી પર બેલ્જિયમ સત્તાવાળાઓ દ્વારા ચોક્સીની ધરપકડને માન્ય ગણાવી છે, જે ભારતના કેસ માટે કાયદાકીય રીતે મજબૂત સમર્થન પૂરું પાડે છે. જોકે, ચોક્સી પાસે હજી પણ બેલ્જિયમની ઉપરી કોર્ટમાં આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાનો વિકલ્પ ખુલ્લો છે.
પ્રત્યાર્પણ માટેનું પ્રથમ કાયદાકીય પગલું સફળ
PNB કૌભાંડ: આ ચુકાદાને ભારતીય એજન્સીઓએ એક મહત્ત્વપૂર્ણ સફળતા ગણાવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ આદેશ અમારા પક્ષમાં આવ્યો છે. કોર્ટે ભારતની વિનંતી પર બેલ્જિયમ સત્તાવાળાઓ દ્વારા તેમની ધરપકડને માન્ય ગણાવી છે. તેમને પ્રત્યાર્પિત કરાવવાનું પ્રથમ કાયદાકીય પગલું હવે સ્પષ્ટ થઈ ગયું છે.”
PNB કૌભાંડ: સીબીઆઇ (CBI) દ્વારા મોકલવામાં આવેલી પ્રત્યાર્પણ વિનંતીના આધારે ૧૧ એપ્રિલના રોજ બેલ્જિયમમાં મેહુલ ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી, તેમની તમામ જામીન અરજીઓ નકારી કાઢવામાં આવી છે, કારણ કે ફરિયાદીઓએ કોર્ટને ભારપૂર્વક જણાવ્યું હતું કે ચોક્સી ‘ભાગી જવાનું જોખમ’ (flight risk) ધરાવે છે અને તેમને જેલમાંથી મુક્ત ન કરવા જોઈએ.
ભારતીય એજન્સીઓએ રજૂ કરી મજબૂત દલીલો
બેલ્જિયમની કાર્યવાહીમાં ફરિયાદીઓને વિદેશ મંત્રાલય અને સીબીઆઈના ભારતીય અધિકારીઓએ સક્રિયપણે મદદ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ ચોક્સી પર તેના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને મુંબઈની પીએનબીની બ્રેડી હાઉસ શાખામાં ફ્રોડ્યુલન્ટ લેટર્સ ઓફ અન્ડરટેકિંગ (LoUs) દ્વારા ₹૧૩,૦૦૦ કરોડનું કૌભાંડ આચરવાના ગુના અંગે મજબૂત દલીલો રજૂ કરી હતી.
સીબીઆઈએ તેની પ્રત્યાર્પણ વિનંતીમાં યુનાઇટેડ નેશન્સના આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાઓ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના કરારો (UNTOC અને UNCAC)નો પણ ઉલ્લેખ કર્યો હતો, જેણે ભારતના કેસને વધુ મજબૂત બનાવ્યો હતો.
LoUs દ્વારા કૌભાંડની વિગત
તપાસ એજન્સીઓ અનુસાર, ચોક્સીની કંપનીઓને નિયમોનું ઉલ્લંઘન કરીને ૧૬૫ LoU અને ૫૮ FLC જારી કરવામાં આવ્યા હતા. આ LoUsના આધારે એસબીઆઈ, અલ્હાબાદ બેન્ક, એક્સિસ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેન્ક જેવી વિદેશી બેન્કો દ્વારા નાણાં ધિરાણ કરવામાં આવ્યા હતા. આ નાણાંના વળતરમાં નિષ્ફળતાને કારણે પીએનબીએ ઓવરડ્યુ વ્યાજ સહિત ₹૬,૩૪૪.૯૭ કરોડની મોટી ચુકવણી કરી હતી.
મુંબઈની આર્થર રોડ જેલમાં મળશે યુરોપિયન ધોરણોની સુવિધા
ભારત સરકારે બેલ્જિયમ સત્તાવાળાઓને ખાતરી આપી છે કે જો મેહુલ ચોક્સીને પ્રત્યાર્પિત કરવામાં આવશે, તો તેમને મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર ૧૨માં રાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પત્ર દ્વારા ખાતરી આપી હતી કે બેરેક નંબર ૧૨માં કેદી માટેની રહેવાની જગ્યા યુરોપની CPTના ન્યૂનતમ માપદંડોને પૂર્ણ કરે છે.
જેલ વિભાગે વધુમાં ખાતરી આપી છે કે ચોક્સીની કોટડીમાં “ઉચ્ચ સ્તરની સુરક્ષા” હશે. આ ઉપરાંત, સ્વચ્છ ગાદલું, ઓશીકું, બેડશીટ, ધાબળો, શુદ્ધ પીવાનું પાણી, બહાર કસરતની જગ્યા, આરામ ક્ષેત્રો અને ચેસ, કેરમ, બેડમિન્ટન જેવી રમતોની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો: પાક.-અફઘાન સરહદ પર ભીષણ અથડામણ: તાલિબાને 58 પાકિસ્તાની સૈનિકોને મારવાનો કર્યો દાવો