President Draupadi Murmu : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લીધી

President Draupadi Murmu

President Draupadi Murmu : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કચ્છ જિલ્લાના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની ઐતિહાસિક ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તરીકે માન્ય ધોળાવીરા પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના મહત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક છે. રાષ્ટ્રપતિએ અહીંના તબક્કાવાર વિકાસ અને ઉત્તમ નગર આયોજનની વિશેષતાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી. ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંહ રાવતે તેમને ધોળાવીરાના ઐતિહાસિક અને સંસ્કૃતિક મહત્વ અંગે માહિતગાર કર્યા.

આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હડપ્પન સંસ્કૃતિના વિવિધ પાસાઓનું નિરીક્ષણ કર્યું, જેમાં તે સમયની રહેણીકરણી, જળસંચય અને નિકાલની વ્યવસ્થા, મજબૂત કિલ્લેબંદી, તથા નગર આયોજનનો સમાવેશ થાય છે. વિશેષ રીતે, મહાનગરના જળસંગ્રહ તંત્ર, મણકા બનાવવાની ફેક્ટરી, પગથિયાંવાળી વાવ, તથા અપર, મિડલ અને લોઅર ટાઉનની સંરચનાઓ તેમના માટે રસપ્રદ નિવડી.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ધોળાવીરા સાઇટના ઉત્ખનન દરમિયાન મળેલા પ્રાચીન અવશેષો, માટીના વાસણો, તાંબાના નાનાં હથિયારો, તોલમાપની વસ્તુઓ, અને પથ્થરના આભૂષણો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ આ વિરાસતને પ્રશંસતા વ્યક્ત કરી. મુલાકાતના અંતે, રાષ્ટ્રપતિએ ધોળાવીરા સાઇટના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.

આ અવસર પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનશેરીયા, કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર અને ભારતીય પુરાતત્વ વિભાગના અધિક્ષક ગુંજન શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *