રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ- લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ‘સંગઠન સર્જન અભિયાન’નો પ્રારંભ કર્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 2028ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષના સંગઠનને સશક્ત બનાવવું અને ગત 20 વર્ષથી નબળી પડેલી કોંગ્રેસની રાજકીય રણનીતિને ‘મિશન 2028’ હેઠળ પુનઃજન્મ આપવાનો છે. રાહુલ ગાંધીએ પાંચ કલાકની મુલાકાત દરમિયાન પાંચ મહત્વની બેઠકોમાં ભાગ લઈ, પક્ષના નેતાઓને જૂથવાદ દૂર કરવા, એકજૂટ થઈ કામ કરવા અને સંગઠનના ઢાંચાને મજબૂત કરવા નિર્દેશ આપ્યા.
જૂથવાદ બંધ કરો, એકજૂટ થાઓ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ- રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જૂથવાદ બંધ કરો અને એકસાથે મળીને કામ કરો. કોઈપણ નિર્ણય ઉપરથી થોપવામાં નહીં આવે. નિર્ણયો સામૂહિક રીતે લેવાશે, અને જરૂર પડે તો બદલાવનો નિર્ણય અમે લઈશું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંગઠનના પુનર્ગઠનમાં કોઈપણ પ્રકારની હેરાફેરી સહન નહીં થાય. “જો કંઈ ખોટું થશે, તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. ભાજપની મદદ કરનારા નેતાઓની ઓળખ કરો અને યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન આપો,” એમ તેમણે ઉમેર્યું.
જિલ્લા કોંગ્રેસ કમિટીઓને જવાબદારી
કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ મુકેશ નાયકે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ જિલ્લા કોંગ્રેસ કમિટીઓને વધુ સશક્ત બનાવવા પર ભાર મૂક્યો. આ કમિટીઓને લોકસભા, વિધાનસભા, નગર નિગમ અને નગર પાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત, બ્લોક, સેક્ટર, વોર્ડ અને પંચાયત સ્તરે કોંગ્રેસ કમિટીઓની રચના તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. આનાથી ચૂંટણી દરમિયાન એક મજબૂત સંગઠન તૈયાર થશે, જે ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય મુદ્દાઓ અને કોંગ્રેસની વિચારધારાને અસરકારક રીતે રજૂ કરી શકશે.
આ પણ વાંચો- અમદાવાદની જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ