Ram Navami 2025 Ahmedabad: રામનવમીને લઈને અમદાવાદ શહેરમાં શાંતિ અને વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. શહેરના પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં શહેરના તમામ પોલીસ ઈન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા.
CCTV નેટવર્ક મજબૂત બનાવવાનો પ્રયાસ
પત્રકારોને માહિતી આપતાં પોલીસ કમિશનરે જણાવ્યું કે, શહેરમાં સુરક્ષા વધારવા માટે કુલ 14,000 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પૈકી 250 જેટલા કેમેરા અત્યારથી જ સીધા કન્ટ્રોલ રૂમ સાથે કાર્યરત છે. આવનારા સમયમાં પણ આ પ્રોજેક્ટને વધુ વિસ્તારવામાં આવશે.
શોભાયાત્રા માટે ખાસ ચેકિંગ અને ક્રાઈમ બ્રાંચની હાજરી
રામનવમીના દિવસે શહેરમાં કુલ 23 શોભાયાત્રાઓ યોજાવાની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ ચાંપતી નજર રાખવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમોને શોભાયાત્રાઓ સાથે તૈનાત કરવામાં આવશે. દરેક યાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને અણચાહી ઘટનાઓથી બચી શકાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે ચુસ્ત છે.
PIની હાજરી ફરજીયાત કરાઈ
તાજેતરમાં આવેલા કેટલાક કિસ્સાઓમાં નાગરિકોની ફરિયાદ રહી હતી કે તેમના વિસ્તારના PI પોલીસ સ્ટેશનમાં મળતા ન હતા. જેના પગલે હવે દરેક પોલીસ ઇન્સ્પેક્ટરને દરરોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી તેમના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવાનું ફરમાવાયું છે, જેથી નાગરિકો સીધા જઈને પોતાની ફરિયાદો અથવા રજૂઆતો કરી શકે.
અન્ય શહેરોમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
વિશેષ નોંધનીય છે કે વડોદરા શહેરમાં પણ રામનવમીના અવસરે 27 જેટલી શોભાયાત્રાઓ યોજાવાની છે. અહીં 7 DCP, 12 ACP અને આશરે 2500 જેટલા પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે.