ગુજરાતમાં 26-28 જૂન 2025 દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

 શાળા પ્રવેશોત્સવ  – ગુજરાત રાજ્યમાં 100% શાળા પ્રવેશ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 23મી આવૃત્તિ 26 થી 28 જૂન 2025 દરમિયાન રાજ્યભરમાં યોજાશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે ઉજવાશે, જે શિક્ષણના મહત્વને સમાજના દરેક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ અને પ્રેરણા
શાળા પ્રવેશોત્સવ – મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી માર્ગદર્શક બેઠકમાં આ કાર્યક્રમમાં સહભાગી થનારા મંત્રીઓ, પદાધિકારીઓ અને IAS, IPS, IFS સહિત વર્ગ-1ના 400 જેટલા ઉચ્ચ અધિકારીઓને સંબોધન કર્યું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2002-03માં શરૂ થયેલા આ મહોત્સવના 22 વર્ષની સફળતાનો ઉલ્લેખ કર્યો. તેમણે ટીમવર્ક અને અગાઉના અનુભવોના આધારે વધુ પરિણામલક્ષી કાર્ય કરવાની હાકલ કરી.

25.75 લાખ વિદ્યાર્થીઓના શાળા પ્રવેશનું લક્ષ્ય
આ વર્ષે રાજ્યની 1529 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 5134 ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ અને 31,824 સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. શિક્ષણ વિભાગે 25.75 લાખ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવાનું આયોજન કર્યું છે. .

બાલવાટિકા: 8.75 લાખ વિદ્યાર્થીઓ
ધોરણ 8માંથી 9માં: 10.50 લાખ વિદ્યાર્થીઓ
ધોરણ 10માંથી 11માં: 6.50 લાખ વિદ્યાર્થીઓ

શાળા પ્રવેશોત્સવનું મહત્વ અને ઉદ્દેશ્ય
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં 100% શાળા પ્રવેશ સુનિશ્ચિત કરવાનો છે, ખાસ કરીને કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપીને. કન્યા કેળવણી મહોત્સવ દ્વારા રાજ્ય સરકાર બાળકીઓને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ મહોત્સવ શિક્ષણના વિસ્તરણ અને સામાજિક જાગૃતિનું માધ્યમ બની રહ્યો છે.

આ પણ વાંચો –  Solar-powered water purifier: GUએ બનાવ્યું સૌર પાણી શુદ્ધિકરણ ઉપકરણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *