અમદાવાદના સરખેજ વિસ્તારમાં સ્થિત જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ સર્વધર્મ સમાન વિચારધારાથી સમાજમાં સેવાકિય કાર્ય કરે છે, જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્ર્સ્ટ દ્વારા સરખેજના ગાંધી હોલમાં રવિવારે 6-10-2024ના રોજ બીજો સર્વધર્મ સમૂહ લગ્નમહોત્સવ કોમી એખલાસ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. આ સર્વધર્મ સમૂહલગ્નમાં 51 હિંદુ-મુસ્લિમ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા જે પૈકી 2 હિંદુ અને 49 મુસ્લિમ નવયુગલોએ નવા જીવનની શરૂઆત કરી હતી. હિંદુ યુગલોએ હિંદુ રીત-રિવાજ મુજબ પ્રભુતાના પગલા માંડ્યા હતા, જ્યારે મુસ્લિમ નવયુગલોએ નિકાહ પઢીને લગ્નગંથિથી જોડાયા હતા.મુસ્લિમ યુગલોના નિકાહ મુફતી અહેમદ સાહેબ દેવલાએ પઢાવ્યા હતા .
આ કાર્યક્રમની શરૂઆત કુરાનની તિલાવત અને હિંદુ શ્લોકથી કરવામાં આવી હતી, આ સમૂહલગ્નમાં પ્રદીપ મહારાજે મંત્ર ઉચ્ચારણ કરીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. લગ્નોમહોત્સવમાં ઉપસ્થિત રહેલા વેજલુપરના ધારાસભ્ય અમિત ઠાકર,ઇમરાન ખેડાવાળા, ઇકબાલ શેખ સહિત જુબેર ખાન પઠાણ સહિત અનેક મહાનુભાવોનો જામિઆ ઇબ્ને ટ્રસ્ટના પ્રમુખ મુફતી રીઝવાન તારાપુરીએ ફુલ અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું
નોંધનીય છે કે જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટના બીજો સર્વધર્મ સમૂહ લગ્નમહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અનિવાર્ય સંજોગોના લીધે ઉપસ્થિત રહી શક્યા ન હતા પણ તેમણે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.આ સંદેશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું હતું કે ‘ જામિઆ ટ્રસ્ટના પ્રમુખ મુફતી રીઝવાન તારાપુરીના સમાજિક કાર્ય અને આ ઉમદા સેવાકિય કામની પ્રશંસા કરી હતી, સંસ્થાએ સમાજમાં આર્થિક અને સામાજિક જાગૃતિ માટે તમામ ધર્મના લોકોને ભેગા કરવાનો જે પ્રયાસ કર્યો છે તેને હું બિરદાવું છું. સર્વજન હિતાય, સર્વજન સુખાય મંત્રને સાર્થક કરીને કોઇપણ ભેદભાવ વગર સર્વધર્મ સમૂહ લગ્નનો આયોજન કરતી સંસ્થાનો પ્રયાસ પ્રશંસનીય છે. તમામ નવયુગલો કે જે લગ્નગંથિથી જોડાયા છે તેમને મારા આશીર્વાદ અને શુભકામના’.
આ લગ્નમહોત્સવમાં અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર હાજર રહ્યા હતા અને તેમણે લગ્નગંથિથી જોડાયેલા હિંદુ-મુસ્લિમ નવયુગલોને આશીર્વાદ આપીને જણાવ્યું હતું કે આજના યુવાનો સમજદાર છે ,લગ્નમાં ખોટા ખર્ચા નથી કરતા અને સમૂહ લગ્નમાં લગ્ન કરે છે તે આવકારવા જેવું છે. સંસ્થાએ તમામ ધર્મના લોકોને સમૂહ લગ્નનું આયોજન કરીને કોમી એકતાનો ઉત્તમ દષ્ટાંત પુરૂ પાડ્યું છે. આ નવયુગલોને તેમણે કહ્યું નવી શરૂઆત જીવનની થઇ રહી છે તો એક બીજાના વિશ્વાસના તાંતણામાં બંધાઇ ગયા છો, જેમ જેમ સમય જશે તે વધુ મજબૂત થશે. તેમણે તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા
જમાલપુર -ખાડિયાના ધારાસભ્યો ઇમારાન ખેડાવાળાએ પણ સમાજમાં કુરિવાજો બંધ થાય અને સાદગી લગ્ન થાય તે હવે અનિવાર્ય છે, સમાજમાં શૈક્ષણિક જાગૃતિ જરૂરી છે અને સમાજના ઘડતરમાં એજ્યુકેશન હશે તો જૂની પરંપરા દૂર થતા વાર નહી લાગે.
આ લગ્નોમહોત્સવનો આયોજન કરનાર જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ ના પ્રમુખ મુફતી રીઝવાન તારાપુરીએ કહ્યું હતું કે સમાજમાં કુરિવાજ બંધ થવા જોઇએ, અને દિકરીને ભગવાનની દેન સમજવી જોઇએ, એ લોકો નસીબદાર છે કે જેમના ઘરે દિકરીનો જન્મ થાય છે. ભગવાન જેના પર ખુશ હોય છે તેમના ઘરે દિકરીને જન્મ આપે છે. આપણે ભારતીય હોવાથી આપણું ઉત્તરદાયિત્વ દેશ અને સમાજ પ્રત્યે પહેલા હોવું જોઇએ, સમાજમાં કુરિવાજ બંધ થવા જોઇએ,લગ્નમાં ખોટા ખર્ચા ન કરવા જોઇએ. સમાજે શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવી જોઇએ.
આ લગ્નોમહોત્સવમાં 51 નવયુગલો લગ્નગંથિથી જોડાયા હતા, આ તમામને તિજોરી, પલંગ સહિતની ઘરવખરી સંસ્થા તરફથી આપવામાં આવી હતી. સંસ્થાનો બીજો સર્વધર્મ સમૂહ લગ્નમાં મકતમપુરાના કાઉન્સીલર, એનજીઓના પ્રમખો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને આ સર્વધર્મ સમૂહ લગ્નનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો – હવે ગુગલ પર જ મળી જશે આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ ,જાણો માહિતી