Shehbaz Sharif Donald Trump : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં હવે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલા માટે આપેલી ડેડલાઈન (Deadline) પૂરી થવાના ગણતરીના કલાકો પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક મોટી અપીલ કરી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ રોકવા અને રાજદ્વારી વાટાઘાટો માટે બે અઠવાડિયાનો સમય આપવાની વિનંતી કરી છે.
Shehbaz Sharif Donald Trump : ટ્રમ્પને 2 અઠવાડિયાની મહેતલ આપવા શહબાઝની અપીલ
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “રાજદ્વારી પ્રયાસોને પૂરા થવાનો મોકો આપવા માટે હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે તેઓ ઈરાન પર હુમલાની ડેડલાઈનને વધુ બે અઠવાડિયા માટે લંબાવી દે.” નોંધનીય છે કે ટ્રમ્પે ઈરાનને રાત્રે 8 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, અને જો તેઓ શરતો નહીં માને તો ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ અને પુલ ઉડાવી દેવાની ભયાનક ધમકી આપી હતી.
ઈરાનને પણ હોર્મુઝ જળમાર્ગ ખોલવા કરી અપીલ
શહબાઝ શરીફે માત્ર અમેરિકાને જ નહીં, પરંતુ ઈરાનને પણ એક આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, “પાકિસ્તાન પૂરી નિષ્ઠાથી ઈરાની ભાઈઓને પણ અપીલ કરે છે કે તેઓ સદ્ભાવનાના પ્રતિક રૂપે આગામી બે અઠવાડિયા માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz – હોર્મુઝ જળમાર્ગ) ખોલી દે.”
તમામ પક્ષોને યુદ્ધવિરામ (Ceasefire) માટે અનુરોધ
મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની શાંતિ સ્થાપવા માટે શરીફે બંને પક્ષોને આગામી 14 દિવસ સુધી યુદ્ધવિરામ પાળવાની અપીલ કરી છે. તેમણે દાવો કર્યો છે કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટેના રાજદ્વારી પ્રયાસો ખૂબ જ મજબૂતી અને ઝડપથી આગળ વધી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં તેના સકારાત્મક અને નક્કર પરિણામો મળી શકે છે.
શું હતી ટ્રમ્પની ડેડલાઈન?
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેઓ હોર્મુઝ જળમાર્ગમાંથી દુનિયાભર માટે ક્રૂડ ઓઈલની સપ્લાય ફરી શરૂ નહીં કરે, તો અમેરિકા ઈરાનના દરેક બ્રિજ અને પાવર પ્લાન્ટને નષ્ટ કરી દેશે. આ ધમકી અને યુદ્ધના આક્રમક માહોલ વચ્ચે પાકિસ્તાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવાના અને મહાવિનાશ ટાળવાના પ્રયાસો કરી રહ્યું છે.
આ પણ વાંચો: ‘Inshallah Tomorrow’: ટ્રમ્પની ‘સભ્યતા ખતમ’ કરવાની ધમકી પર ઈરાનનો આકરો પલટવાર

