સાયલા તાલુકામાં SMCના દરોડા – સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં બહારના રાજ્યમાંથી દાણચોરીએ લવાયેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોડી રાતે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 6342 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે કુલ રૂ. 1,13,65,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં એક કન્ટેનર ટ્રક અને માલવાહક પીકઅપ કારનો પણ સમાવેશ થાય છે.
સાયલા તાલુકામાં SMCના દરોડા – નોંધનીય છે કે ગાંધીનગરથી આવેલી SMCની ટીમે ચોટીલા તાલુકાના નાની મોલડી ગામના દીલીપ બાવકુભાઈ ધાધલ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવીને કટીંગ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા સમયે ઘનઘોર અંધકારનો લાભ લઈને બુટલેગરો અને તેમના સાગરિતો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. જોકે, SMCની ટીમે સ્થળ પરથી દારૂનો મોટો જથ્થો અને વાહનો જપ્ત કર્યા. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહીથી શરાબના દાણચોરોમાં ફફડાટ ફેલાયો છે.
SMCની ટીમે આ મામલે મુખ્ય સૂત્રધાર દીલીપ બાવકુભાઈ ધાધલ, ટ્રક ચાલક, પીકઅપ કાર ચાલક, સ્કોર્પિયો વાહન લઈ ફરાર થયેલો અજાણ્યો શખ્સ અને દારૂનું કટીંગ કરવા આવેલા પાંચ અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
આ દરોડાએ સાયલા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે દારૂના વેપાર સાથે સંકળાયેલા શખ્સોમાં ખળભળાટ મચાવ્યો છે. ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં બહારના રાજ્યોમાંથી દાણચોરીએ દારૂની હેરફેર થતી હોવાનું આ ઘટનામાંથી સ્પષ્ટ થાય છે. SMCની આ કાર્યવાહી ગેરકાયદે દારૂના વેપાર સામે મોટી સફળતા ગણાય છે.